ગુજરાત
News of Tuesday, 25th January 2022

મોડાસાના ભિલોડામાં તંત્રો દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી 25થી વધારે દબાણો દૂર કરવામાં આવ્યા

ભિલોડા : તાલુકા મથકેથી અડચણરૂપ ૨૫ થી વધુ દબાણો દૂર કરાતાં ગ્રામજનો અને તાલુકાના પ્રજાજનોમાં મોટી રાહત વર્તાઈ હતી.જોકે આ દબાણો દૂર કરવાની કાર્યવાહીથી કયાંક ખુશી..તો કયાંક  ગમના દ્દશ્યો પણ સર્જાયા હતા. ભિલોડા ગામના હાર્દ સમા બજારોમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે ઉપર તંત્રની રહેમ નજરથી વકરેલા દબાણોથી ભિલોડા ગ્રામજનો અને તાલુકા મથકે જરૂરી કામકાજ માટે આવતાં પ્રજાજનો ત્રસ્ત બન્યા હતા. ભિલોડામાંથી પસાર થતાં પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી-અંબાજી વચ્ચેના સ્ટેટ હાઈવે ઉપર માર્ગ અને મકાન વિભાગની નિષ્ફળતાથી વકરેલા દબાણો સમસ્યારૂપ બની રહયા હતા. ત્યારે આ ભયજનક દબાણોનો પ્રશ્ન જિલ્લાકક્ષાની સંકલન સમિતિમાં પણ ઉઠયો હતો.અને  ચર્ચા બાદ દબાણો હટાવવાનો હુકમ કરાતાં રોડ અને બીલ્ડીંગ વિભાગ મોડે મોડે હરક્તમાં આવ્યું હતું. સોમવારના રોજ વહીવટી તંત્રના અધિકારીઓની રાહબરી હેઠળ પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે અડચણરૂપ ૨૫થી વધુ દબાણો દૂર કરાયા હતા.માર્ગ પૈકીના નડતર રૂપ પાથરણા,ફેરીયા લારી,ગલ્લા સહિતના હંગામી દબાણો દૂર કરાતાં માર્ગો ખુલ્લા થયા હતા અને રાહદારીઓ,વાહન ચાલકો અને ગ્રામજનોમાં મોટી રાહત ફેલાઈ હતી.  જોકે આ દબાણો હટતાં કેટલાકમાં ખુશી તો કેટલાય પરીવારોમાં ગમના દ્દશ્યો જોવા મળ્યા હતા અને તંત્રના જવાબદાર અધિકારીઓએ ન્યાયિક કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવો સૂર ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.

(5:38 pm IST)