ગુજરાત
News of Tuesday, 25th January 2022

અમદાવાદના વસ્ત્રાલ ગામ રીંગ રોડ ચાર રસ્‍તા ઉપર ઔડા દ્વારા અનોખા વર્તુળાકારના ફુટ ઓવરબ્રિજની કામગીરીનો ધમધમાટ

સુરક્ષિત રોડ પાર કરવા માટે જમીનથી 5 મીટર ઉંચે બ્રિજનું નિર્માણ

અમદાવાદ: સરકાર મહાનગરોના વિકાસ માટે ખુબ ધ્યાન આપી રહી છે. તેમાં પણ અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે મેટ્રાથી લઈને બુલેટ ટ્રેન સુધીની કામગીરી ચાલી રહી છે. તેવામાં હવે અમદાવાદીઓને આકર્ષતું વધુ એક નવું નઝરાણું તૈયાર થઈ ચુક્યું છે. અને તે એટલે કે, ફૂટ ઓવરબ્રિજ. વસ્ત્રાલ ગામ રિંગરોડ ચાર રસ્તા પર નવીન નજરાણું બની રહ્યું છે.

વસ્ત્રાલ ગામ રિંગરોડ ચાર રસ્તા પર ઔડા દ્વારા અનોખા ફૂટ ઓવરબ્રિજનું ચાલી કામ રહ્યું છે. રાહદારીઓ માટે ખાસ વર્તુળ આકારની ડિઝાઇન ધરાવતો સર્કલ આકારનો ફૂટ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જમીનથી 5 મીટર ઊંચે ફૂટ ઓવરબ્રિજ બનાવાઈ રહ્યો છે.

હાલ કુલ 300 મીટરના વિસ્તારમાં 250 મીટરનું વર્તુળ આકાર લઈ રહ્યું છે. રાહદારીઓને સરળતાથી ચાલવા 4 મીટર પહોળો પેસેજ પણ બનાવવામાં આવી રહ્યો છે. 

ટ્રાફિકથી ધમધમતા રિંગરોડને સુરક્ષિત પાર કરવા ઔડા દ્વારા બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સમયાંતરે સર્જાતા અકસ્માતને ટાળવા ઔડા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

ચાર રસ્તાની તમામ દિશામાંથી રાહદારીઓ  બ્રિજ પર જઈ શકશે. ફૂટ ઓવરબ્રિજથી સીધા વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન ઉપર જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂટ બ્રિજની મદદથી મેટ્રો સ્ટેશનેથી સીધો રિંગરોડ પણ ક્રોસ કરી શકાશે.

બ્રિજની ચારેય દિશામાં પગથિયાં, એસકેલેટર અને લિફ્ટની સુવિધા કરવામાં આવી છે. રૂ.16.43 કરોડના ખર્ચે સમગ્ર પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે જૂન 2022 ના અંત સુધીમાં તમામ કામગીરી પૂર્ણ થશે.   

(5:28 pm IST)