ગુજરાત
News of Tuesday, 25th January 2022

કાલે ''રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૨' ની રાજ્યકક્ષાની ઉજવણી

મુખ્ય નિર્વાચન અધિકારી આયોજિત કાર્યક્રમ રાજ્ય ચૂંટણી કમિશનરની ઉપસ્થિતિમાં યોજાશે:દરેક જિલ્લા અને તાલુકાઓ મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલ અધિકારીઓ-કર્મચારીઓ જોડાશે

ગાંધીનગર : લોકતાંત્રિક ચૂંટણી પ્રક્રિયામાં દરેક પાત્ર નાગરિકને સહભાગી બનાવવા, દરેક પાત્ર નાગરિકને મતદાર તરીકે નોંધણી કરાવવા અને ચૂંટણી વખતે મતદાન કરીને પોતાનો સક્રિય અને અર્થપૂર્ણ ફાળો આપવા માટે પ્રેરિત કરવાના હેતુ સાથે રાષ્ટ્રીય મતદાતા દિવસ ૨૦૧૧ થી દર વર્ષે ૨૫ જાન્યુઆરીના રોજ (જે ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ પણ છે) ઉજવાય છે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી સંપૂર્ણ દેશમાં બૂથ કક્ષાથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી આયોજિત કરવામાં આવે છે.

તા.૨૫-૦૧-૨૦૨૨, મંગળવારના રોજ ગુજરાતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ  કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વર્ચુઅલ  રીતે યોજવામાં આવનાર છે. મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમ રાજ્ય ચૂંટણી કમિશનરની  ઉપસ્થિતિમાં યોજાશે. આ કાર્યક્રમ દરમ્યાન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરનો સંદેશ પ્રસારિત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં દરેક જિલ્લા  અને તાલુકાઓ મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલ અધિકારીઓ-કર્મચારીઓ જોડાશે. તદઉપરાંત , જિલ્લા તથા તાલુકા સ્તર પર સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, દિવ્યાંગજનો સાથે કામ કરતી સંસ્થાઓ, એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ સંસ્થા તથા નહેરુ યુવા કેન્દ્ર સંગઠન જેવી અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ વર્ચ્યુઅલ રીતે જોડાશે. 
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યની  શાળા અને કોલેજ કક્ષાની કૂલ-૯૮૨૨   મતદાર સાક્ષરતા કલબ્સમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે, ચિત્ર કામ ,ઈ-પોસ્ટર, નિબંધ લેખન, વકતૃત્વ, ડિબેટ, સ્લોગન અને  જિંગ્લસ બનાવવાની વગેરે યોજવામાં આવેલ હતી. કોરોનાની પરિસ્થિતિને કારણે મોટાભાગની સ્પર્ધાઓ વર્ચુઅલ રીતે યોજવામાં આવેલ છે. જેમાં લોકશાહીની સૌથી મોટી તાકાત એવા યુવાનોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લઈને લોકશાહીમાં તેમની પ્રતિબધ્ધતા અને ઉત્કૃષ્ટ રસ દાખવ્યો છે.  
ભારત ચૂંટણી પંચ દ્વારા આ વર્ષના રાષ્ટ્રીય મતદાતા દિવસની નક્કી કરવામાં આવેલ થીમ છે - ''ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ''. આ વિષય વસ્તુ આધારે સમાવિષ્ટ ચૂંટણી પ્રક્રિયામાં મહિલા મતદારો, યુવા મતદારો,થર્ડ જેન્ડર, સ્થળાંતરિત સમૂહો વિગેરેનો સમાવેશ થાય છે. દિવ્યાંગ મતદારો, શારિરિક અક્ષમ અને વયસ્ક મતદારો માટે સુગમ ચૂંટણી અને દિવ્યાંગજનો માટે કાર્યરત સંસ્થાઓ,અંધજન મંડળ,મહિલા સામાખ્ય, NCC, NSS જેવી સંસ્થાઓ અને વિવિધ સામાજીક સેવા સંગઠનોના સહયોગથી સહભાગી ચૂંટણી પ્રકિયાનો અર્થ સૂચવે છે.  
રાષ્ટ્રીય મતદાતા દિવસના પ્રસંગે રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયામાં ઉત્તમ કામગીરી બજાવનારા જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે. કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત લોકો દ્વારા શાંતિ પૂર્ણ ચૂંટણી, નૈતિક મતદાનના માધ્યમથી લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા ''મતદાતા શપથ'' લેવામાં આવે છે. 
સમગ્ર વર્ષ દરમ્યાન ચાલી રહેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ – ૨૦૨૨ દરમ્યાન ૧૮-૧૯ વય જૂથના ૬,૫૧,૦૭૫ મતદારોની નોંધણી કરવામાં આવેલ છે. મતદાર યાદી સુધારણાના આ કાર્યક્રમ દરમ્યાન કુલ : ૩૦,૩૮,૭૯૩ મતદારોની નોંધણી કરવામાં આવેલ છે. મતદાર યાદીમાં જે મતદારોની નોંધણી બાકી હોય તેઓ આજે પણ Voter Mobile Helpline App દ્વારા નોંધણી કરાવી શકે છે.
ગુજરાત રાજ્યના સર્વે નાગરિક રાષ્ટ્રીય મતદાતા દિવસનો રાજ્યકક્ષાના કાર્યક્રમ ૨૫ જાન્યુઆરીના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી  https://ceo.gujarat.gov.in પર અથવા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતના ફેસબુક પેજ (CEOGujarat) અથવા યુ ટ્યુબ ચેનલ પર (https://youtu.be/mdB0fc7Goow) જોઈ શકશે.

(6:06 pm IST)