ગુજરાત
News of Tuesday, 25th January 2022

કોરોનાથી સંક્રમિત કોંગ્રેસ ધારાસભ્ય ડો, અનિલ જોષીયારાને છેલ્લા 3 દિવસથી સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા

ભિલોડાથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ડો અનિલ જોશીયારા અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર કહેર મચાવી રહી છે, ત્યારે સામાન્ય નાગરિકોની સાથે-સાથે હવે નેતાઓ પણ જીવલેણ વાઈરસની ઝપેટમાં આવી રહ્યાં છે.એવામાં કોરોનાથી સંક્રમિત કોંગ્રેસના ધારાસભ્ય ડૉ અનિલ જોશીયારાની તબીયત વધારે બગડતા તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વેન્ટેલેટર પર રાખવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, થોડા દિવસ પહેલા જ અરવલ્લી જિલ્લાના ભિલોડાથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ડો અનિલ જોશીયારા અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેઓએ પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોવિડ ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી.

પોતે કોરોનાથી સંક્રમિત થતાં કોંગ્રેસ ધારાસભ્ય તેમની પત્ની સાથે ગાંધીનગરમાં હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. જો કે તેમની તબીયતમાં કોઈ સુધારો ના થતાં તેઓને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

છેલ્લા 3 દિવસથી ડૉ અનિલ જોશીયારાને સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામનાં આવ્યા છે. હાલ તો ડોક્ટરો એક સપ્તાહ સુધી તેઓને મેડિકલ ઑબ્ઝર્વેશન હેઠળ રાખવાની વાત કહી રહ્યાં છે.

(12:24 am IST)