ગુજરાત
News of Tuesday, 25th January 2022

પોલીસે હાઈવે પર તૂટેલા કાચના ટુકડા પરથી અકસ્માત કરી મોત નિપજાવી ફરાર થયેલા આરોપીને પકડી પાડ્યો

દરમિયાન છોટા હાથી ટેમ્પોનો તૂટી ગયેલા સાઈડ ગ્લાસનો ટુકડો ઘટના સ્થળ પરથી મળી આવતા તિલકવાડા પોલીસે આરોપીને ઝડપ્યો

નર્મદા :  તિલકવાડા પોલીસે હાઈવે પર તૂટેલા કાચના ટુકડા પરથી અકસ્માત કરી મોત નિપજાવી ફરાર થઇ ગયેલા આરોપીને પકડી પાડ્યો હોવાનું સરાહનીય કાર્ય કર્યું છે.

વિગતો મુજબ તિલકવાડાના અગર નવીવસાહત ગામે કલેડીયા તરફથી રોડ ઉપર રમફાટ ગફલતભરી રીતે આવતા છોટા હાથી ટેમ્પોએ પલ્સર બાઈક સાથે અકસ્માત કરી ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો.આ અકસ્માતમાં બાઇક સવાર મેહુલ ચંદ્રકાંત ભીલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચાલક સહિત અન્ય લોકો ઘાયલ થયા હતા.

આ કેસની તપાસ તિલકવાડા પી.એસ.આઈ એમ.બી.વસાવા કરી રહ્યા હતા.એમણે અગર ચોકડી પાસે એક પોલીસ પોઇન્ટ ગોઠવી આવતા જતા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું.એ વિસ્તારમાં બૂંજેઠા પેટ્રોલ પમ્પ તથા હોટેલના સી.સી.ટી.વી ચેક કરતા પણ કોઈ નક્કર પરિણામ મળ્યું ન હતું.પણ આ અકસ્માત દરમિયાન છોટા હાથી ટેમ્પોનો તૂટી ગયેલા સાઈડ ગ્લાસનો ટુકડો ઘટના સ્થળ પરથી મળી આવતા પોલીસે એના આધારે તપાસ હાથ ધરી હતી.

તિલકવાડા પી.એસ.આઈ એમ.બી.વસાવાએ આસપાસના ગામોના છોટા હાથી ટેમ્પાની વિગતો મંગાવી હતી.જેમાં અગર ગામના જીજે 17 ટીટી 4022 નો સાઈડ ગ્લાસ તૂટી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું.પોલીસે તૂટેલા કાચનો ટૂંકડો એની સાથે મેચ કરતા અકસ્માત એ જ છોટા હાથીના ચાલકે કર્યું હોવાનું બહાર આવ્યું હતું.જેથી પોલીસ પૂછતાછમાં ચાલક જગદીશ નારણ ભીલે આ અકસ્માત કર્યો હોવાનું કબૂલ કરતા એની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

(9:40 pm IST)