ગુજરાત
News of Monday, 25th January 2021

સાતમા નિકાહ કરનારા પતિ સામે મહિલાની પોલીસમાં ફરિયાદ

સુરતના કપ્લેથા ગામનો ચોંકાવનારો મામલો : અગાઉના છ લગ્નોની પોલ જાણી જનારી સાતમી પત્નીને સતત ત્રાસ આપી છૂટાછેડા આપવા પતિની ધમકી

સુરત, તા. ૨૫ : સુરતના સચિનના કપ્લેથા ગામમાં રહેતા પ્રૌઢ ખેડૂતે બે મહિના પહેલાં જ ૫૦ વર્ષીય વિધવા સાથે લગ્ન કર્યા બાદ તેને છૂટાછેડા આપ્યા વિના જ વધુ એક પત્નીને ઘરે લઈ આવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પતિના આ સાતમા લગ્ન હોવાનો પરિણીતાએ એફ.આઈ.આરમાં આક્ષેપો કર્યા હતા. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રાંદેર ગામ કુંભારવાડામાં રહેતી ૫૦ વર્ષીય આયેશાબેને પ્રથમ પતિના અવસાન બાદ ગત સપ્ટેમ્બર ૨૦માં કપ્લેથા ગામ નવી નગરી મેઈન સ્ટ્રીટમાં રહેતા ૫૫ વર્ષીય ઐયુબ સુલેમાન ડેગીયા સાથે બીજા લગ્ન કર્યા હતા. આયેશા લગ્ન કરે તો દાગીના અને મકાઈ લઈ આપવાનું વચન આપનાર ઐયુબ પોતાની કહેણથી ફરી ગયો હતો. ઐયુબ સાથે લગ્ન બાદ આ તેના છઠ્ઠા લગ્ન હોવાનું જાણતાં તેની હેરાનગતિ શરૂ કરી હતી. જમવાનું બનાવતા આવડતું નથી પિતાએ કશું શીખવ્યું નથી તેમ કહીને ઝઘડાઓ શરૂ કર્યા હતા.

લગ્નના ત્રણ મહિના બાદ ૨૨મી ડિસેમ્બરે ઐયુબે પોતે હરિયાણા કામ અર્થે જતો હોવાનું કહી પિયર મૂકી ગયો હતો. હરિયાણાથી પરત આવીને તેડી જઈશ તેમ કહીને ગયેલા ઐયુબે થોડાક સમય પછી ફોન કરી પોતે હરિયાણા નહીં ગયો હોવાનું અને તેને તલાક આપી દેનાર હોવાની ચીમકી ઉચ્ચારી હતી. પોતાનો પતિ ઐયુબ તલાક આપી દેવાનો હોવાનું જાણ્યા બાદ સાસરીમાં પહોંચેલી આયેશાબેનનને પતિએ ઘરમાં સ્વીકારી ન હતી અને પરત કાઢી મૂકી હતી. પોતાને કાઢી નાંખ્યાના પંદરેક દિવસ બાદ ઐયુબે સાતમા લગ્ન કરી લીધાનું જાણીને આયેશાબેન મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોતાને છૂટાછેડા આપ્યા વિના જ વધુ એક લગ્ન કરનાર ઐયુબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એફઆઈઆરમાં ઐયુબે સાત લગ્ન કર્યાના કરેલા આક્ષેપોને પગલે પોલીસ પણ ચોકી હતી. હાલ મહિલા પોલીસે ગુનો નોંધી આયેશાબેનના આક્ષેપોમાં કેટલું તથ્ય છે તેની તપાસ હાથ ધરી છે.

(10:00 pm IST)