ગુજરાત
News of Monday, 25th January 2021

ધમકી આપી વિધવા ભાભી પર દિયરે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યું

અમદાવાદના મેઘાણીનગરની ચોંકાવનારી ઘટના : ૧૫ મિનિટ સુધી હવસખોરનો મુકાબલો કર્યા બાદ બેભાન મહિલાને લોકોએ હોસ્પિટલ પહોંચાડી, પોલીસની વધુ તપાસ

અમદાવાદ, તા. ૨૫ : મેઘાણીનગરમાં રહેતી ૪૭ વર્ષીય ભાભીને બદનામ કરવાની ધમકી આપી કુટુંબી દિયરે અવાવરુ જગ્યાએ લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. હવસખોર દિયરે મહિલા સાથે જબરજસ્તી કરી ગાલ પર બચકાં ભર્યા હતા. ભાભીએ પ્રતિકાર કરી ૧૫ મિનિટ સુધી હવસખોર સાથે ઝપાઝપી કરી આખરે બેહોશ થઈ ગઈ હતી. દિયર તકનો લાભ લઇ ત્યાંથી પલાયન થઇ ગયો હતો. બેભાન પડેલી ભાભીને સારવાર માટે અજાણ્યા લોકો હોસ્પિટલ લાવતા મામલો બહાર આવ્યો હતો. મેઘાણીનગર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ધરી છે.

અસારવામાં રહેતી મોનિકા (નામ બદલ્યું છે)ને ચાર સંતાન છે. બે પુત્રીના લગ્ન થઈ ગયા છે. મોનિકાના પતિનું ચાર વર્ષ અગાઉ અવસાન થયા બાદ કુટુંબી દિયરની ઘરે અવરજવર વધી હતી. દિયર અગાઉથી ભાભી પર ખરાબ નજર રાખતો હતો. મોનિકા મચ્છીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવતી તેમજ વીસી ચલાવતી હતી. મોનિકાના ઘરે આવતો દિયર અવારનવાર છેડછાડ કરતો હતો પણ બદનામીના ડરે તે કઈ બોલતી ન હતી. દરમિયાન દિયર પણ વીસીમાં તેનું નામ લખાવ્યું હતું. આ દરમિયાન બન્ને વચ્ચે નિકટતા વધી હતી. મોનિકાએ દિયરને શારીરિક સંબંધોથી દૂર રાખ્યો હતો. શનિવારે મોનિકા તેની માતાની દવા લેવા ઘરેથી રિક્ષામાં બેસી નીકળી તે સમયે રસ્તામાં દિયર તેની રિક્ષા લઈ આવ્યો અને મોનિકાને બેસી જવા સૂચના આપી હતી. મોનિકાએ ના પાડતા દિયરે હું તને બદનામ કરીશ સમાજમાં તારી વાતો કરીશ તેવી ધમકી આપી હતી. ડરને પગલે મોનિકા દિયરની રિક્ષામાં બેસી હતી. દિયર રિક્ષા લઈને ચામુંડા બ્રિજથી ઔડાના મકાન થઈ કાચા છાપરાથી આગળ રેલવે પાટાથી આગળ પાણીની ટાંકી પાસે અવાવરુ જગ્યાએ પહોંચ્યો હતો. જ્યાં હવસખોર દિયરે અવાવરૂ જગ્યામાં રિક્ષા લઈ જઈ મોનિકાને નીચે ઉતારી ગાલ પર બચકાં ભરી જબરજસ્તી કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. મોનિકાએ પ્રતિકાર કરતા દિયર સાથે ૧૫ મિનિટ સુધી ઝપાઝપી થઈ હતી. આખરે મોનિકા બેહોશ થઈ ગઈ હતી. જેથી દિયર પલાયન થઇ ગયો હતો. બેભાન પડેલી મોનિકાને અજાણ્યા લોકોએ હોસ્પિટલ ખસેડતા બનાવની જાણ પોલીસને થઈ હતી. મેઘાણીનગર પોલીસે મોનિકાની ફરિયાદ આધારે આરોપી દિયર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(9:58 pm IST)