ગુજરાત
News of Monday, 25th January 2021

ગાંધીનગરમાં ઍલઆરડીની પરિક્ષામાં અન્યાય મુદ્દે વિરોધ પ્રદર્શનઃ પોલીસ અટકાયત કરે તે પહેલા યુવક રડી પડ્યો

ગાંધીનગર: રાજય સરકાર દ્વારા લેવાયેલી એલઆરડીની પરીક્ષામાં પુરુષ ઉમેદવારોની સંખ્યા વધારવા માટે સમગ્ર રાજયમાંથી એલઆરડી ઉમેદવારો ગાંધીનગર ખાતે વિધાનસભાની સામે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ વિરોધ કરવામાં આવ્યો હતો. સતત 23 દિવસથી એલઆરડી પુરૂષ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આજે વિરોધ પ્રદર્શન કરવા માટે યુવાનો એકઠા થયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં આ ઉમેદવારોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.  

પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. જોકે તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસ તેમની સાથે ગેરવર્તૂણૂક કરી રહી છે. આજે બપોરે 2 વાગે ઉમેદવારો વિરોધ પ્રદર્શન માટે એકઠા થવાના હતા, પરંતુ તેમનો રણનીતિમાં ફેરફાર કરી સમય કરતાં વહેલા 1 વાગ્યાની આસપાસ દેખાવો શરૂ કરી દીધો હતો. પોલીસ દ્રારા અટકાયત કરવામાં આવે તે પહેલાં જ એક ઉમેદવાર રડી પડ્યો હતો. 

LRD પરીક્ષા વિવાદ સતત વિવાદિત થઇ રહ્યો છે. ગુજરાત સરકાર માટે આ પરીક્ષા માથાના દુખાવા સમાન રહી છે. મહિલા ઉમેદવારો દ્વારા ભારે આંદોલન બાદ સરકાર દ્વારા આખરે મહિલાઓને નિમણુંક આપવાનો નિર્ણય લેવાયો હતો. જો કે ત્યાર બાદ પુરૂષ ઉમેદવારો મેદાને આવ્યા હતા. જે આંદોલન હજી સુધી ચાલી રહ્યું છે. જો કે હાલ કોરોનાને કારણે આ આંદોલન શાંત થયું છે. પરંતુ ઉમેદવારોનો આ મુદ્દો સરકાર માટે ભવિષ્યે પણ ઉકળતો ચરૂ સાબિત થાય તેમ છે.

મહિલા ઉમેદવારોમાં બાકી રહી ગયેલા ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામાં આવવાનો નિર્ણ લેવામાં આવ્યા બાદ આ સમગ્ર મુદ્દો વિવાદિત બની ગયો હતો. 4 જુલાઈના રોજ બધા ઉમેદવારોને નિમણૂકનો હુકમ આપવામાં આવશે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો હતો. રાજ્યના તે સમયના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ હુકમ કર્યો હતો. બિન હથિયારી અને હથિયારી મહિલા લોકરક્ષકોએ 15 જુલાઈ સુધીમાં હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે કોઈ મહિલાઓને નિમણૂંક પત્ર આપવાના બાકી છે, તેમના મેડિકલ, ચારિત્ર્ય સર્ટિફિકેટ, અને દસ્તાવેજી ચકાસણી પૂર્ણ કરવામાં આવે તેમ ડીજીપીએ આદેશો કર્યાહ તા. જો કે ત્યાર બાદ પુરૂષ એલઆરડી ઉમેદવારો મેદાને આવ્યા હતા.

પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ ઈડબલ્યુએસ કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે. ત્યારે આ જીઆરને કારણે અન્યાય થઈ રહ્યો હોવાનું જણાવી રાજ્યમાં આંદોલન પણ થયું હતું.

શું હતો એલઆરડી વિવાદ?

* પોલીસની ભરતીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત

* ૧લી ઓગસ્ટ, ૨૦૧૮નાં સરકારે પરિપત્ર બહાર પાડ્યો

* પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યુ તેમાં જ તેની પસંદગી શક્ય

* કોઈ મહિલાએ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભર્યુ હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળી શકે

* અનામત કેટેગરીની મહિલાને જનરલ-ઈડબલ્યુએસ કેટેગરી કરતાં વધુ માર્ક છતાં નોકરીથી વંચિત* જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં નોકરીથી વંચિત

* લોકરક્ષક દળ માટે કુલ ૯,૭૧૩ જગ્યા માટે ભરતી

* ભરતી બોર્ડ માત્ર ૮,૧૩૫ ઉમેદવારોનું જ લિસ્ટ જાહેર કર્યુ

* જનરલ કેટેગરીમાં એક પણ મહિલાનું મેરિટ જાહેર કર્યુ નથી

* હથિયારધારી મહિલામાં ૧,૦૧૧

* બિનહથિયારધારી મહિલામાં ૫૩૦ મહિલાનું મેરિટ અટવાયું

* ગુજરાત સરકાર પરિપત્ર જાહેર કરતાં અનામતનો છેદ ઉડ્યો

(5:35 pm IST)