ગુજરાત
News of Monday, 25th January 2021

સુરત કોર્પોરેશનની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયાઃ ૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે ૧૦૪૧ની દાવેદારી

સુરત: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે. વિવિધ પાર્ટીઓ પોતાની રીતે તૈયારીઓમાં લાગી ગઈ છે, ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં સુરત શહેર માટે 3 દિવસ સુધી નિરિક્ષકો રોકાઈને દાવેદારોની સેન્સ લેવાના છે, ત્યારે પ્રથમ દિવસે જ ભાજપમાં ટિકિટ વાંચ્છુકોની લાઈન લાગી હતી.

સુરતના 16 વોર્ડની 64 બેઠક માટે 1041 ટિકિટની દાવેદારી કરતાં દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. જ્યારે આજે બીજા દિવસે અન્ય 14 વોર્ડના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

સુરતના 7 ઝોનમાં અલગ-અલગ 7 સ્થળો પર નિરિક્ષકોએ ભાજપની ટિકિટની દાવેદારી કરતાં ઉમેદવારોને સાંભળ્યા હતાં. જેમાં ભાજપના ઉધના કાર્યાલય ખાતે બે વોર્ડ માટેની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કુલ 1041 દાવેદારો પૈકી સૌથી વધુ રજૂઆત વોર્ડ નંબર 8 (ડભોલી અને સિંગણપોર) અને વોર્ડ નંબર 13માં (નવાપુરા, બેગમપુરા, સલાબતપુરા) થઈ હતી.

સૌથી ઓછી 36 રજૂઆત વોર્ડ નંબર-4 (કાપોદ્રા) અને વોર્ડ નંબર-14 (ઉમરવાડા, માતાવાડી વોર્ડ)માં 41 રજૂઆત થઈ હતી. ગુજરાત ભાજપની 7 ટીમો દ્વારા ટિકિટ વાંચ્છુંકોને સાંભળવામાં આવ્યા હતા.

જેમાં વોર્ડ નંબર-23 (બમરોલી ઉધના ઉત્તર) વોર્ડ નંબર-24 (ઉધના દક્ષિણ) અને વોર્ડ નંબર-28 (પાંડેસરા) વિસ્તારના દાવેદારોને સાંભળવાની જવાબદારી નિરીક્ષક ડૉ ઋત્વિજ પટેલ, ધર્મેન્દ્ર શાહ, વીણા પ્રજાપતિને સોંપવામાં આવી હતી.

(5:32 pm IST)