ગુજરાત
News of Monday, 25th January 2021

ગાંધીનગર નજીક દારૂની હેરાફેરી કરનાર બાઈક સવાર શખ્સને પોલીસે 18 બોટલ સાથે ઝડપી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર:જિલ્લામાં હવે રાજસ્થાનથી બાઇક ઉપર દારૂની હેરાફેરી કરતાં ખેપીયાઓ વધ્યાં છે. રખિયાલ પોલીસે સામેત્રી પાસે વિદેશીદારૂની ૨૪ બોટલ સાથે રાજસ્થાનના બાઇક સવારે ઝડપી પાડયો હતો. જ્યારે ડભોડા પોલીસે પણ રણાસણ પાસેથી બિનવારસી બાઇકના થેલામાંથી વિદેશીદારૂની ૧૮ બોટલ કબ્જે કરી હતી. જે સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

રખિયાલ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, મોડાસા તરફથી આવતાં બાઇક નં.જી.જે. ૧ર.એસ.ક્યુ.૧૬૫૨માં એક શખ્સ વિદેશીદારૂ સાથે પસાર થઇ રહ્યો છે. જે બાતમીના આધારે સામેત્રી ગામ પાસે વોચ ગોઠવીને પોલીસે બાઇકને ઉભું રાખ્યું હતું અને તેમાં સવાર રાજસ્થાન ડુંગરપુરના કાંતિલાલ શંકરલાલ યાદવને પકડયો હતો. જેની પાસે રહેલાં થેલામાંથી વિદેશીદારૂની ૨૪ બોટલ મળી આવી હતી. દારૂ મોબાઇલ અને બાઇક મળી પોલીસે ૪૫ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો બીજી બાજુ ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મોટાચિલોડાથી રણાસણ તરફ એક બિનવારસી બાઇક નં.આર.જે.૧૨. એસ.યુ. ૦૯૪૬ મળી આવ્યું હતું. જેમાં રહેલાં થેલામાં તપાસ કરતાં વિદેશીદારૂની ૧૮ બોટલ મળી આવી હતી. જેથી પોલીસે બાઇકના નંબરના આધારે તેના માલીકની શોધખોળ આદરી છે અને ૧૯ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યોહતો.

(5:26 pm IST)