ગુજરાત
News of Monday, 25th January 2021

વડનગર તાલુકાના સુંઢિયા નજીક અંબાજી જવા પગપાળા નીકળેલ સંઘના બે યાત્રીઓને હાઇવે પર ટેન્કરે હડફેટે લેતા એક યુવાને ઘટનાસ્થળેજ દમ તોડ્યો

વડનગર: તાલુકાના સુંઢીયા નજીક હાઈવે ઉપર પેટલાદના નારગામથી અંબાજી જવા નીકળેલા પગપાળા સંઘમાં જોડાયેલા બે પદયાત્રીઓને પુરપાટ દોડી રહેલા ટેન્કરે અડફેટે લેતાં એક યુવાનનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યાત્રીને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા. અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પેટલાદ તાલુકાના નાર ગામેથી તા.૧૮--૨૦૨૧ના રોજ કેટલાક દર્શનાર્થીઓનું પગપાળા સંઘ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જવા નીકળ્યું હતું. ૨૩ જાન્યુઆરીએ રાત્રી રોકાણ વિસનગર તાલુકાના ઉમતા ગામે આવેલા બળવંતી માતાના મંદિરમાં હોવાથી પદયાત્રીઓ અહીં રોકાયા હતા. તે વખતે નારના રાકેશકુમાર જ્યંતિભાઈ ગોસાઈનો ભત્રીજો જયજતી નિમેશભાઈ ગોસાઈ પોતાના ઘરેથી અહીં આવ્યો હતો. બીજા દિવસે તે પણ સવારે બધા પદયાત્રીઓ સાથે અહીંથી પગપાળા અંબાજી જવા રવાના થયો હતો. માર્ગમાં સુંઢીયા નજીક વડનગર હાઈવે ઉપર પાછળથી પુરપાટ આવી રહેલા એક ટેન્કરના ચાલકે પગપાળા સંઘમાં ચાલતા જઈ રહેલા પદયાત્રીઓ પૈકી જયજતી ગોસાઈ અને શૈલેષભાઈ જીતેન્દ્રભાઈ સોલંકીને ટક્કર મારી હતી. જેમાં રોડ ઉપર પટકાતા જયજયતીને ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બીજા ઈજાગ્રસ્ત પદયાત્રી શૈલેષભાઈને સારવાર માટે ખેરાલુ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અંગે મૃતકના કાકાએ વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે અકસ્માત બાદ ટેન્કર છોડીને ભાગી છૂટેલા ડ્રાયવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(5:26 pm IST)