ગુજરાત
News of Monday, 25th January 2021

વડોદરાના મકરપુરા રોડ નજીક કોર્પોરેશનની ઢોર પાર્ટીના ટ્રેક્ટરે બાઇકને હડફેટે લેતા શખ્સનું કમકમાટીભર્યું મોત

વડોદરા:શહેરના મકરપુરા રોડ પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટીના ટ્રેક્ટરે એક બાઇકને ટક્કર મારતા બેસણામાં જતા એક શખ્સનું મોત નિપજ્યું હતું જ્યારે બાઇક ચાલકને ઇજા થઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ડભોઇ તાલુકાના નાનાકોકુડીયા ગામે નવીનગરીમાં રહેતા અજય કનુભાઇ વસાવાના વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા કાકા સસરા હસમુખભાઇનું બેસણું આજે હોવાથી અજય તેના બીજા કાકા સસરા નારણ મોતીભાઇ વસાવાને પોતાના ગામેથી સાથે લઇને બાઇક પર બંને જણા ગોત્રી જતા હતાં.

આજે બપોરે તેઓ જામ્બુઆ ચોકડીથી વડોદરા શહેરમાં પ્રવેશી મકરપુરા રોડ પરથી પસાર થતા હતા ત્યારે વોલ્ટેમ્પ કંપની નજીક ડીવાઇડરના કટ પરથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટીના એક ટ્રેક્ટરે અચાનક ટર્ન મારી બાઇકને અથાડતા બાઇક પરથી અજય અને તેના કાકાસસરા નારણભાઇ બંને પટકાયા હતાં. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે નારણભાઇનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું  હતું.

(5:23 pm IST)