ગુજરાત
News of Monday, 25th January 2021

‘મારે ગુજરાતના એક દિ'ના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા છે’, યુવકે નીતિનભાઈ પટેલને કર્યો ફોન

હેબતપુરના લાલજી ભાઇએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ફોન કર્યો

અમદાવાદ : રાજ્યના એક યુવકે નીતિન પટેલને ફોન કરી એક દિવસના મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાતના યુવકની નીતિનભાઈ પટેલ સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ગુજરાતના યુવકની એક દિવસ માટે મુખ્યમંત્રી બનવાની ઇચ્છા જોઇ નીતિનભાઈ પટેલે પણ શુભેચ્છા પાઠવી હતી. મહત્વપૂર્ણ છે કે ઉત્તરાખંડમાં સૃષ્ટી ગોસ્વામી નામની એક યુવતી એક દિવસ માટે મુખ્યમંત્રી બની હતી. Chief Minister

હેબતપુરના લાલજી ભાઇએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ફોન કરીને એક દિવસના મુખ્યમંત્રી બનવાની વાત કરતા નીતિનભાઈ પટેલ પણ હસી પડ્યા હતા. આ વાતચીતના કેટલાક અંશ નીચે પ્રમાણે છે.

લાલજી ભાઇ: સાહેબ લાલજી બોલુ છું, મીઠાપુરા, ધોલેરા તાલુકાના હેબતપુર ગામમાંથી, જેની વસ્તી 10-12 હજારની છે. જે રીતે ઉત્તરાખંડમાં સૃષ્ટી ગોસ્વામી નામના બહેનને એક દિવસના મુખ્યમંત્રી બનાવડાવ્યા, તેવી રીતે હું ગુજરાતનો એક દિવસનો મુખ્યમંત્રી બનવા માંગુ છું.
નીતિન પટેલ (હસતા): બનો કઇ વાંધો નહી
લાલજી ભાઇ: આમા આપણે સીએમ સાહેબની મંજૂરી જોઇએ, જો રૂપાણી સાહેબ એમ કહે કે લાલજી ભાઇને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવો.
નીતિન પટેલ (હસતા): સારૂ..સારૂ..હો…
લાલજી ભાઇ: આપણે સારૂ કામ કરીશું અને કામગીરી પણ સારી કરીને બતાવીશું
નીતિન પટેલ: મુખ્યમંત્રી બન્યા વગર પણ સારા કામ કરી શકાય.
લાલજી ભાઇ: જ્યાર સુધી સત્તા હાથમાં નથી…
નીતિન પટેલ: મારી શુભેચ્છા

રાષ્ટ્રીય બાલિકા દિવસના પ્રસંગે ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાની વિદ્યાર્થિની સૃષ્ટિ ગોસ્વામી એક દિવસની મુખ્યમંત્રી બની હતી. આ દરમિયાન તેણે વિવિધ વિભાગની સમીક્ષા બેઠક કરી હતી અને પ્રેઝન્ટેશન જોયુ હતું. સૃષ્ટી પોતાના 6 કલાકના કાર્યકાળમાં પુરા આત્મવિશ્વાસથી ભરેલી જોવા મળી હતી. આ દરમિયા તેણે અધિકારીઓની ક્લાસ પણ લીધી હતી અને વિપક્ષના સવાલોના જવાબ પણ આપ્યા હતા

(2:04 pm IST)