ગુજરાત
News of Monday, 25th January 2021

૯૦૯૪ બેઠકો માટે ૩૦ હજારથી વધુ લડવૈયાઓ નસીબ અજમાવશે

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે ૪૭૬૯પ પૈકી ૬૧૪૭ મતદાન મથકો અતિ સંવેદનશીલઃ ૩ લાખ જેટલા કર્મચારીઓ ફરજ પર

રાજકોટ તા. રપઃ રાજય ચૂંટણી પંચે ૩૧ જિલ્લા પંચાયતો ર૩૧ તાલુકા પંચાયતો, ૮૧ નગરપાલિકાઓ અને ૬ મહાનગર પાલિકાઓની ચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે. શહેરી ક્ષેત્રોની ચૂંટણી ર૧ ફેબ્રુઆરીએ અને ગ્રામીણ ક્ષેત્રોની ચૂંટણી ર૮ ફેબ્રુઆરીએ યોજાનાર છે. બધી મળીને ૬પ૭૭ વોર્ડની ૯૦૯૪ બેઠકો માટે ચૂંટણી છે. દરેક બેઠક પર સરેરાશ ત્રણ - ચાર ઉમેદવારો ગણવામાં આવે તો કુલ આંકડો ૩૦ હજારે પાર કરી જશે. જે બેઠકમાં ૧૬ થી વધુ ઉમેદવારો થશે ત્યાં એકથી વધુ મત મશીન મૂકાશે. ૪.૯ કરોડ જેટલા મતદારો છે. રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે ૪૭૬૯પ મતદાન મથકો નકકી કરવામાં આવ્યા છે. ૧૧૬૯૪ સંવેદનશીલ અને ૬૧૪૭ અતિ સંવેદનશીલ છે. ૯૧૭૧૬ મત મશીનનો ઉપયોગ કરવામાં આવશે જેનું પ્રથમ ચરણનું ચેકીંગ પુરૂ થઇ ગયું છે. ર.૮૪ લાખ જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણી ફરજ પર રહેશે. ચૂંટણીની તાલીમ શરૂ થઇ ચૂકી છે. સુરક્ષા માટે ૧ લાખથી વધુ કર્મચારીઓ (પોલીસ) ખડે પગે રહેશે.

ચૂંટણી પંચે ચૂંટણીનું એલાન કરી દેતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાનો મહત્વનો તબકકે શરૂ કર્યો છે. સંખ્યાબંધ અપક્ષ ઉમેદવારો પણ મેદાને પડનાર છે.

(11:59 am IST)