ગુજરાત
News of Monday, 25th January 2021

રાજપીપળાના વતની અને જાણીતા સંગીકાર શિવરામ પરમારને "વિશિષ્ઠ પ્રતિભા એવોર્ડ" થી સન્માનિત કરાયા

મહેનતનું ફળ ઉત્તમ હોય છે જ્યારે નિઃસ્વાર્થ ભાવે કરેલા કાર્યનું ફળ સર્વોત્તમ હોય છે.એ ઉક્તિ સાર્થક કરતા શિવરામ પરમાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારીને લીધે નકારાત્મક થઈ રહ્યું હતું ત્યારે એવા સમય માં સંગીતના માધ્યમ થી શિવરામ પરમારે દેશ વિદેશના અનેક સંગીત રસિકોને સતત ૧૦૧ દિવસ સુધી દરરોજ એક કલાક નિસ્વાર્થ ભાવે સંગીત પીરસીને સકારાત્મક ઊર્જા ફેલાવવાનું કાર્ય કર્યું હતું. સાથે સાથે અનેક કલાકારોને પણ આ રીતે બહાર આવી પોતાનાં રસિકોની મદદ કરવાનું આહવાન કર્યું હતું.
જેની નોંધ લેતા ભારત સરકારે શિવરામ પરમાર ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપી સન્માનિત કર્યા હતા.ત્યાર બાદ એન. ડી. ગ્રુપ ઓફ કંપની તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા "રેવા ના મોતી" દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
 હાલ ડિસેમ્બરમાં મુંબઈ ના વી કેર ફાઉન્ડેશન તરફથી સમાજ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.હવે સાવરકુંડલાના યુવા ઉદ્યોગ પતિ અને સમાજ સેવી એવા ગુણવંતભાઈ બગડાના હસ્તે દેવ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી "વિશિષ્ઠ પ્રતિભા પુરસ્કાર એવોર્ડ" થી સન્માનિત કરાયા છે.
દેવ એજ્યુકેશન ટ્રસ્ટ શિક્ષણ સંસ્કાર અને સેવાની જ્યોત જલતી રાખીને સમાજ અને રાષ્ટ્ર માટે ઉમદા કાર્ય કરી રહ્યું છે.
ભારત ભરમાં સેવાને સમર્પિત એવા મહાનુભાવોનું સન્માન રૂબરૂ જઇને કરવાની એક નવી પહેલની શરૂઆત ગુણવંતભાઈ બગડાએ કરી હોય જેમાં તારીખ 22 મીના રોજ સાવરકુંડલાથી મુંબઈ જઈને તેમણે સમાજમાં ઉમદા કાર્ય કરવા બદલ શિવરામ પરમારનું સન્માન કરી એમને વિશિષ્ઠ પ્રતિભા પુરસ્કાર આપ્યો હતો

(11:03 pm IST)