ગુજરાત
News of Friday, 24th January 2020

ગુજરાત ભાજપમાં ઉકળતો ચરૃઃ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની માંગણી ફગાવતા કૌશિક પટેલ

પ્રજાકીય કામો થતા ન હોવાની શાસક પક્ષના ધારાસભ્યોની લાગણીઃ રાજકીય તોફાનની ભીતિ

ગાંધીનગર, તા. ૨૪ : ગુજરાત ભાજપમાં ખાસ કરીને ધારાસભા પક્ષમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. બે દિવસ પહેલા ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામા પત્ર જાહેર કર્યા બાદ અસંતોષની વાતને વેગ મળ્યો છે. ઈનામદારે રાજીનામુ પાછુ ખેંચવાનું જાહેર કર્યુ છે પરંતુ સિનીયર ધારાસભ્યો પૈકી મોટાભાગમાં અસંતોષ અને નારાજગી ચરમસીમાએ હોવાની માહિતી મળે છે. ઈનામદારના આક્રોશના પડઘા સમ્યા નથી ત્યાં વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તળાવ ક્ષેત્રમાં બાંધકામ કરી મૂર્તિ મુકવાના મુદ્દે આક્રોશ વ્યકત કર્યો છે. મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવેલ કે આ બાબત કોર્ટમાં પડતર છે તેથી હાલ મંજુરી અંગે કોઈ નિર્ણય કરી શકાય નહિ.

પ્રમુખ જીતુ વાઘાણીના જિલ્લામાંથી પણ આવા રાજકીય તોફાન થશે તે વાત પણ ગાંધીનગર ખાતે જોરશોરથી ચાલી રહી છે.

ગુજરાત ભાજપના નારાજ ધારાસભ્યોએ મિત્ર વર્તુળમાં ખુબ જ ગંભીર વાતો કરવાની શરૂઆત કરી છે. વર્તમાન સરકારના મંત્રીશ્રીઓ તેમના વિસ્તારમા અને વહીવટી તંત્રના અધિકારીઓ પરની પક્કડ ગુમાવી બેઠા છે. ત્યારે આ નારાજ સભ્યો જાહેરમાં કહેતા થયા છે. અને તેઓ કહે છે કે અમારે પ્રજાના વિકાસના કામોની વાત કોને કરવી ?

ભાજપના કેટલાક સભ્યોએ છેલ્લા ઘણા સમયથી સચિવાલય આવવાનું બંધ કરેલ છે અને જયારે સભ્યો સચિવાલયમાં આવે ત્યારે મંત્રીશ્રીઓની સતત ગેરહાજરીથી કંટાળી આ પગલુ ભરવામાં આવે છે. તેવી વાત પણ જોરશોરથી ચાલી રહી છે.

(4:39 pm IST)