ગુજરાત
News of Friday, 24th January 2020

કેતન ઇનામદારના ટેકામાં ભાજપના સેંકડો હોદ્દેદારોના રાજીનામા

કેતન ઇનામદારના રાજીનામા બાદ ભૂકંપ જેવી સ્થિતિ : સાવલી નપા-તાલુકા પંચાયત સહિત ભાજપના ૩૦૦થી વધુ હોદ્દેદારોના રાજીનામા : ભાજપ મોવડીમંડળ ચિંતિત

અમદાવાદ,તા. ૨૩ : વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ તેમના સમર્થકો દ્વારા સરકાર અને સંગઠન પર દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી અને ડેસરના ૩૦૦થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપી દેતાં ભાજપમાં રાજકીય ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. સાવલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ભાજપના ૨૩ સભ્યોએ આજે રાજીનામા આપી દેતાં ખળભળાટ મચી ગયા છે. તદુપરાંત, સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ૧૭ સભ્યોએ રાજીનામા આપ્યા છે. આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતના ચાર સભ્યોએ પણ રાજીનામા આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે ગઇકાલે રાજીનામુ આપ્યું હતું અને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યો હતો. વિકાસ કાર્યો નહી થતાં હોવાથી રાજીનામુ આપ્યું હતું, ત્યારબાદ કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકાના ભાજપના ૨૩ સભ્યોએ આજે રાજીનામા આપ્યા છે.

            ઇનામદારના રાજીનામાને પગલે સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ૧૭ સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. તો, સાવલી એપીએમસીના પ્રમુખ સહિત ૧૪ ડાયરક્ટરે રાજીનામા આપ્યા હતા. આ ઉપરાંત બરોડા ડેરીના ડિરેક્ટરે પણ રાજીનામું આપી દીધુ છે અને ૪૦ જેટલા ગ્રામ પંચાયતોના સરપંચોએ પણ પોતાના રાજીનામા આપી દીધા છે. આમ, ભાજપમાં ઇનામદારના રાજીનામા બાદ બહુ ગંભીર અને કટોકટીભરી પરિસ્થિતિ સર્જાઇ છે, ખાસ કરીને વડોદરા ભાજપમાં ભારોભારના નારાજગી અને અસંતોષ સામે આવી રહ્યો છે, જેને લઇ ભાજપ મોવડીમંડળ પણ ચિંતામાં મૂકાયું છે. જેને લઇ હવે સાવલીઅને ડેસરમાં રાજીનામાઓની હોડ લાગતા પ્રદેશના આગેવાનો તરફથી કેતનઇનામદારને મળવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છેઅને વડોદરા જિલ્લા ભાજપનાઆગેવાનો પણ કેતન ઇનામદારને મનાવવામાં લાગી ગયા છે.

(9:40 pm IST)