ગુજરાત
News of Tuesday, 24th November 2020

અમદાવાદ પોલીસ બેડામાં કોરોનાએ કહેર : DCP, PI, PSI સહિતના કોરોના પોઝિટિવ

છેલ્લા બે દિવસમાં 41 જેટલા પોલીસ કર્મચારીઓ સંક્રમિત: ક્રાઇમ બ્રાન્ચમાં પણ સાત પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ

અમદાવાદના પોલીસ બેડામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, છેલ્લા બે દિવસમાં 41 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે. બે દિવસ પહેલા 38 પોલીસ કર્મચારીઓ સંક્રમિત હતા. તેમા ડીસીપી, પીઆઇ, પીએસઆઇ સહિતના જવાનો સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.ક્રાઇમ બ્રાન્ચમાં પણ સાત પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે. ક્રાઇમ બ્રાન્ચના સાત અધિકારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આમ કોરોનાએ અમદાવાદના પોલીસ બેડામાં પગપેસારો કર્યો છે.
   આ બધા પોલીસ કર્મચારીઓ અને તેના કુટુંબીઓ હાલમાં હોમ ક્વોરેન્ટાઇન થયા છે. આ બધાની હાલત સ્થિર છે. કોઈની પણ પરિસ્થિતિ નાજુક નથી. પણ તેઓ કોરોના સામે તકેદારી દાખવી રહ્યા છે.

રાજ્યમાં તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા સંભાળવા જતા વધુને વધુ પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તહેવારો દરમિયાન વધુને વધુ લોકો બહાર નીકળતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું પાલન ન કરતાં રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે. લોકોની મોટાપાયા પરની ભીડે છેવટે કોરોના વિસ્ફોટને આમંત્રણ આપ્યુ છે અને તેનાથી પોલીસ વિભાગ પણ બાકાત રહ્યો નથી.

(6:26 pm IST)