ગુજરાત
News of Tuesday, 24th November 2020

અમદાવાદમાં કોરોનાનો ભરડોઃ ખાનગી હોસ્પિટલોમાં ફકત ૧૪૩ બેડ જ ખાલી!

એક અંદાજ મુજબ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં કોવિડની ૨,૮૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છેઃ જેની સામે હાલ ફકત ૧૪૩ બેડ જ ખાલી છે

અમદાવાદ, તા.૨૪:  શહેરમાં કોરોના સંક્રમણ વધતા સરકારી બાદ ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ ખૂટી પડ્યાં છે. અમદાવાદ શહેરમાં ૮૦ ખાનગી હોસ્પિટલોને કોવિડ-૧૯ની સારવાર માટે નક્કી કરવામાં આવી છે. જેમા એક અંદાજ મુજબ ૨,૮૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, ૨૮૦૦ બેડની સામે આજની તારીખે (૨૪-૧૧-૨૦૨૦) ફકત ૧૪૩ બેડ ખાલી હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ઘણા લાંબા સમય પછી શહેરમાં ખાલી બેડની સંખ્યા ૧૫૦થી નીચે ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આવી હાલત વચ્ચે પણ હાલ સતત ખાનગી હોસ્પિટલોમાં પૂછપરછ માટે ફોનકોલ આવી રહ્યા છે. એટલે કે આગામી સમયમાં આ સ્થિતિ વધારે વણસી શકે છે.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ ડોકટર ભરત ગઢવીએ ચિંતા વ્યકત કરતા વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, જો આ સ્થિતિ ચાલુ રહેશે તો ખાનગી હોસ્પિટલના બેડ ખૂટી પડશે. સાથે સાથે કોવિડ માટે નવી હોસ્પિટલો ઊભી કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પહેલીવાર ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની ખાલી બેડની સંખ્યા ૧૫૦થી નીચે આવી છે. આજની તારીખે શહેરમાં ખાનગી હોસ્પિટલમાં ૧૪૩ બેડ ખાલી છે. હાલ ખાનગી હોસ્પિટલોમાં આઇસોલેશનમાં ૧,૦૫૬ દર્દી દાખલ છે અને ૬૨ બેડ ખાલી છે. એવી જ રીતે HDUમાં ૯૮૧ દર્દી દાખલ છે અને ૫૯ બેડ ખાલી છે. ICUમાં વેન્ટિલટર વગર ૩૮૮ દર્દી દાખલ છે અને ૧૧ બેડ ખાલી છે. આ ઉપરાત ICU વિથ વેન્ટિલેટરમાં૧૬૮ દર્દી દાખલ છે, જેમાં ૧૧ બેડ ખાલી છે.

બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ટ્વીટ કરીને ખાલી બેડની માહિતી આપતા જણાવ્યું છે કે, આજની તારીખમાં ખ્પ્ઘ્ કવોટામાં સવારના ૧૧ વાગ્યે ૮૦૧ બેડ ખાલી છે. આ સાથે જ તબીબોએ લોકોને સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા માર્ગદર્શિકાનું પાલન કરવાની વિનંતી કરી છે. તબીબો કહી રહ્યા છે કે કોરોના સામે લડવા માટે હાલમાં એક માત્ર હથિયાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ છે. જો આ બંનેનું પાલન નહીં થાય તો કેસની સંખ્યામાં વધારો થશે.

ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા માટે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન તરફથી અમુક નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે પ્રમાણે નીચેના પાંચ કેસમાં દર્દીને દાખલ થવામાં પ્રાથમિકતા મળશે.

૧) ૬૦ વર્ષથી ઉપરના કોવિડના દર્દીને પ્રાયોરિટી આપવામાં આવશે. કોવિડ થાય અને જો અગાઉથી જ દર્દીને કોઈ અન્ય બીમારી હોય અથવા સારવાર ચાલતી હશે તો પ્રાયોરિટી આપવામાં આવશે. લીવર, કિડની, ટ્રાન્સપ્લાન્ટ, HIV ઇન્ફેકશનના દર્દીને તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયાસ કરાશે.

૨) છેલ્લા ૩ દિવસથી કોવિડના દર્દીનું શરીરનું તાપમાન ૧૦૧ જ્ આવતું હોય.

૩) શરીરમાં ઓકિસજન (SPO2) નું પ્રમાણ ૯૪ ટકા કરતા ઓછું હોય.

૪) કોવિડના એવા દર્દીઓ, જેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય.

૫) ફેફસા સિવાય શરીરના કોઈ અંગમાં તકલીફ થઈ રહી હોય તેવા દર્દી.

(3:51 pm IST)