ગુજરાત
News of Saturday, 24th October 2020

મોડાસા: નેશનલ હાઇવે નજીક પેટ્રોલ પંપ પર માથાભારે શખ્સોનો હુમલો: જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

મોડાસા: નેશનલ હાઈવે માર્ગના વેણપુર ગામની સીમમાં આવેલા એક પેટ્રોલપંપ ઉપર ચડી આવેલા કેટલાક શખ્શોએ પંપના સંચાલકો ઉપર ગળદાપાટુ અને લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો.જયારે આ હુમલાખોરોના અન્ય સાગરીતો પાછળથી આવી ચડતાં પેટ્રોલ પંપના માલીકની ગાડી ઉપર લાકડીઓ ફટકારી કાચ તોડી નાખ્યા હતા. અને કારને ગોબા પાડી ભારે નુકશાન પહોંચાડયું હતું. આ હુમલાખોરોએ જતાં જતાં જો અમારા વિરૂધ્ધ ફરીયાદ કરીશ તો પેટ્રોલપંપ સળગાવી દઈશું.એમ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઘટનાને પગલે પંથકના અન્ય પેટ્રોલપંપ માલીકો,વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.જયારે શામળાજી પોલીસે આ ચકચારી ઘટનામાં વેણપુર ગામના પાંચ ઈસમો સહિત કુલ આઠ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શામળાજી-વેણપુર માર્ગના વેણપુર નજીક વૃન્દાવન પેટ્રોલપંપ આવેલો છે.આ પેટ્રોલપંપ અને સીએનજી પંપના માલીક વાડીલાલ નારણભાઈ પટેલ જરૂરી કામ અર્થે ગત બુધવારે સવારે ભિલોડા ગયા હતા.પેટ્રોલપંપ ઉપર તેમના પુત્ર વિપુલભાઈ અને કલ્પેશભાઈ હાજર હતા.ત્યારે સવા બાર વાગ્યના સુમારે ઈકો ગાડીના ચાલકે પોતાના કબ્જાની ગાડી લાઈન તોડી આગળ લાવી દીધી હતી.અન્ય ગ્રાહકોની ફરીયાદને લઈ કલ્પેશભાઈ એ આ ઈકો ગાડીના ચાલક ને ગાડી પરત લેવા જણાવતાં આ ચાલક એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને કલ્પેશભાઈ સાથે ગાળા ગાળી કરવા લાગતાં ગાડીમાં સવાર અન્ય બે શખ્શો ઉશ્કેરાઈ બહાર આવી ગયા હતા.અને પંપ સંચાલક ને એકાએક ગળદાપાટુનો માર મારવાનો શરૂ કરી દીધો હતો.

(5:15 pm IST)