ગુજરાત
News of Saturday, 24th October 2020

દિવાળીના તહેવારોમાં ફટાકડાના કારણે આગની દુર્ઘટનાઓ ન સર્જાય તે માટે બનાસકાંઠાનું વહિવટી તંત્ર સ્‍ટેન્‍ડ ટુઃ ફાયર ફાયટરોની ટીમો તૈનાત રહેશે

અમદાવાદ: આગામી 12મી નવેમ્બરથી દિવાળીનાં તહેવારો શરૂ થશે. આ તહેવારો દરમિયાન ફટાકડાંના વેચાણથી માંડીને ફોડવાના કારણે આગની હોનારત દર વર્ષે બનતી હોય છે. આ આગની ઘટનાને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટરે અત્યારથી જ કવાયત હાથ ધરી છે. તેના ભાગરૂપે જ તંત્રને સાબદા રહેવા માટે સૂચનાઓ જારી કરી છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર તરફથી જારી કરવામાં આવેલી સૂચનામાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તહેવાર નિમિત્તે જિલ્લામાં દરેક જગ્યાએ વિવિધ પ્રકારના ફટાકડાંના નાના મોટા સ્ટોલ ખુલશે. આ સંપૂર્ણ સમયગાળા દરમિયાન કોઇ પણ પ્રકારના આગજનીના બનાવ ન બને તો તાત્કાલિક તેની સામે યોગ્ય પ્રકારના જરૂરી પગલાં ભરવા જણાવ્યું છે. સાથોસાથ નગરપાલિકા હસ્તકના ફાયર બ્રિગ્રેડના સ્ટાફ તથા જિલ્લા, તાલુકા વહીવટી તંત્રના સીધા સંપર્કમાં રહી સતર્ક રહે અને 24 કલાક સ્ટેન્ડ બાય રહેવા તેમજ જિલ્લામાં ક્યાંય પણ આગનો બનાવ બને તો તુરંત જ યોગ્ય કાર્યવાહી કરવાની સાથે જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમને જાણ કરવાની પણ સૂચના આપી છે.

નગરપાલિકાને સાવધ રહેવા તાકીદ

નગરપાલિકા હસ્તકનાં ફાયર બ્રિગ્રેડ પાસે ફાયર ટેન્કર, વોટર બાઉઝર, ફાયર બુલેટ બાઇક તેમજ અન્ય જરૂરી તમામ સાધન સામગ્રી અપ ટુ ડેટ કંડીશન્ડમાં રાખવા જે તે નગરપાલિકાના મુખ્ય અધિકારીને પણ સૂચના અપાઇ છે.

મામલતદારોને શું કહ્યું?

તમામ મામલતદારોએ તેમની કક્ષાએથી એક દિવાળી સલામતિની સક્ષમ/ સ્પેશિયલ ટીમ બનાવી દિવાળીનાં 15 દિવસ પહેલાં દરેક ફટાકડાના ગોડાઉન અને નાના-મોટા સ્ટોલની યોગ્ય ફાયર સેફ્ટી અંગેની ચકાસણી કરાવી જરૂરી કાર્યવાહી કરવી. તેની ચકાસણીનો રિપોર્ટ પાંચ દિવસમાં કલેકટરને મોકલી આપવા જણાવાયું છે. તેની સાથે ફટાકડાં સ્ટોલધારક પાસે ફરજિયાતપણે રાખવાનું ફાયર એકસ્ટીગ્યુસર છે કે કેમ તેમજ સ્ટોલ ધારક ફટાકડાં વેચવાનો પરવાનો/લાઇસન્સ ધરાવે છે કે કેમ વગેરે જેવી સલામતિ સંદર્ભે યોગ્ય ચકાસણી કરવા તથા તેમના તાબાના પ્રાંત અને તાલુકાના ફાયર બ્રિગ્રેડ વિભાગના સંકલનમાં રહી તમામ જગ્યાએ વીઝીટ કરાવી સાવચેતીના પગલાં ભરવા સૂચના જારી કરી છે.

દુકાનદારો માટે શું છે ફરજિયાત?

પાણી ભરેલી ડોલ

પાણી ભરેલું મોટું પીપ

ABC 6 KG ટાઇપ ફાયર એકસ્ટીગ્યુસર

રેતી ભરેલી ડોલનું સ્ટેન્ડ

(4:13 pm IST)