ગુજરાત
News of Saturday, 24th October 2020

આરોગ્યધામોના નિર્માણથી છેવાડાના વંચિતો અને આદિજાતિ લોકોને આરોગ્ય સેવાઓ ઝડપથી મળવા સાથે તેમના માટે આશીવાર્દરૂપ નિવડશે : નિતીનભાઇ પટેલ

ઇડરમાં રૂ. ૧૨૫૦ લાખના ખર્ચે નવનિર્મિત અધતન હોસ્પિટલ અને જિલ્લામાં રૂ. ૨૩૩૦ લાખથી વધુના ખર્ચે તૈયાર થયેલા જિલ્લાના અન્ય ૧૪ આરોગ્ય ભવનોનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે લોકાપર્ણ

અમદાવાદ : સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે રૂ. ૧૨૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલી સિવિલ હોસ્પિટલ તથા જિલ્લાના રૂ. ૨૩૩૦ લાખથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા જિલ્લાના અન્ય ૧૪ જેટલા ગ્રામિણ આરોગ્ય ભવનોનું નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.

 

  અધતન સુવિધાથી સજ્જ આરોગ્યભવનોને પ્રજાપર્ણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઇડર એ ઉત્તર ગુજરાતનું પ્રતિષ્ઠિત શહેર છે જયારે બહુ મોટા કામની સફળતા મળે ત્યારે "ઇડરીયો ગઢ જીત્યા" એવુ  કહેવાય છે આજે આવી આરોગ્યક્ષેત્રે મોટી સફળતા કહિ શકાય એવા આરોગ્યના ધામનું નિર્માણ થયું છે. જેનાથી અનેક ગરીબ- વંચિત અને આદિજાતિ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળશે.   
  તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રજાના કામો ઝડપથી થાય અને લાભ મળી રહે તે દિશમાં કામગીરી આરંભી હતી જેનો અમલ રાજયની સરકાર અત્યારે કરી રહી છે નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે અગાઉની સરકારના શાસનમાં શાળાના ઓરડો બનાવવા માટે ચાર વર્ષ જેટલો સમય લાગતો હતો. જયારે હાલમાં રાજય સરકાર દ્વારા ત્વરીત નિર્ણય અને અમલીકરણથી છેવાડાના લોકોને વિકાસના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે.
  તેમણે વ્યવસ્થાઓ ઉભી કરવી એ સરકરનો ભાગ હોવાનું ઉમેરતા જણાવ્યું હતું કે, રાજયના પવિત્ર યાત્રધામો એવા અંબાજી, ડાકોર,દ્વારકા અને ડાંગના શબરીધામ સહિતના અન્ય ધામોને ફોરલેનથી જોડવાના નિર્ણયથી પવિત્ર દેવસ્થાનોનો વિકાસ થયો છે અને સ્થાનિક લોકોમાં રોજગારીની તકો ઉભી થઇ છે. જેમાં મહેસાણા અને હિંમતનગરથી જોડતા લાખો શ્રધ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન અંબાજીને ફોરલેનથી જોડતા પદયાત્રીઓની સુવિધાઓમાં વિશેષ વધારો કરાયો છે. વળી નરેન્દ્રભાઇ મોદીના શાસનકાળમાં અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરી શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું સ્થાનકનું નિર્માણ થયું છે.
  તેમણે સમગ્ર દેશ અને ગુજરાત કોરોનાના સંક્રમણમાંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે વેપારીઓના ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા હતા ત્યારે આત્મનિર્ભર પેકૅજ જાહેર કરી તેમને ફરી બેઠા કરવાનો સરકારે અસરકારક નિર્ણય લીધો છે તો વળી  ખેડૂતોને અને સખીમંડળની બહેનોને વગર વ્યાજે રૂ. ૩૫ કરોડ નાણા ધીરીને તેમના આવકના સ્ત્રોતમાં વધારો કર્યો છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, રાજયની આ સરકારે ખેડૂતલક્ષી નકકર કદમ લઇને જમીન પચાવી પાડનાર અસમાજીક તત્વો સામે ગુંડાધારાનો અમલ કરવાના નિર્ણય સાથે તેમને પાસામાં ધકેલી ૧૦ વર્ષ જેલમાં ધકેલી દેવાના આકરા કદમ ઉઠાવ્યા છે. તેમણે કિસાન સૂર્યોદય યોજનાની વાત કરતા ઉમેર્યુ હતું કે જયાં જંગલી પશુઓનો ભય છે તેવા ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરીને ખેડૂતોને રક્ષાકવચ પુરૂ પાડવામાં આવ્યું છે. જે આગામી સમયમાં આ યોજનાનો લાભ રાજયના તમામ ખેડૂતોને પિયત માટે દિવસે વીજળીનો લાભ મળતો થશે. તેમણે રાજ્યમાં આરોગ્ય સેવા વધુ સુદ્દઢ બનાવી હોવાનું જણાવતા કહ્યુ હતું કે, કોરોનાના એક દર્દીની સારવાર પાછળ રાજ્ય સરકાર રૂ. ૭૫ હજારથી માંડી એક લાખ સુધીનો ખર્ચ કરી અધતન સેવાઓ પુરી પાડે છે.   
  સાબરકાંઠા જિલ્લામાં આરોગય સેવાઓનો વિસ્તાર થયો હોવાનું જણાવતા કહ્યું હતું કે, હિંમતનગર ખાતે મેડિકલ કોલૅજનું નિર્માણ, ખેડબ્રહ્મા ખાતે સિવિલ હોસ્પિટલ તેમજ ઇડર ખાતે રૂ. ૧૫ કરોડના ખર્ચે અધતન સિવિલનું નિર્માણ કરાતા જિલ્લાના છેવાડાના વંચિતો અને આદિજાતિ લોકોને આરોગ્ય સેવાઓ ઝડપથી મળતી થવાની સાથે તેમના માટે આશીવાર્દરૂપ નિવડશે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ઇડર શહેરના વિકાસની વાત કરતા ઉમેર્યુ હતું કે, ઇડર શહેરમાં વર્ષો જૂની બાયપાસ રોડની માંગણી ત્યારે જ પુરી થઇ શકે જયારે ખેડૂતો દ્વારા જમીન સંપાદનના કામમાં સહયોગી બને તો વળી શહેરના મધ્યમાં આવેલી જૂની હોસ્પિટલને ગરીબ દર્દીઓ માટે સેવાઓ પૂર્વવત રાખવામાં ઉપરાંત સમગ્ર રાજયના પાંજરાપોળના ખાંડા પશુઓના નિર્વાહ માટે રૂ. ૧૦૦ કરોડની રાજય સરકાર દ્વારાફાળવણી કરવામાં આવી છે જેમાં ઇડર સ્થિત પાંજરાપોળનો પણ સમાવશે કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.
  ઇડર નવનિર્મિત હોસ્પિટલના લોકાપર્ણ પૂર્વે નાયબ મુખ્યમંત્રીએ ગાયનેક વોર્ડ, ઓપરેશન થીયેટર, મેલ-ફિમેલ વોર્ડ, પોસ્ટ ઓપરેટીવ વોર્ડ, લેબ ડિપાર્ટમેન્ટ,ઓપરેશન થીયેટર અને બ્લડ સ્ટોરેજ, ફિઝીયોથેરેપી ડિપાર્ટમેન્ટ  સહિત ઓપીડી, રજીસ્ટ્રેશન, રેક્ડરૂમ, ફાર્મસી સ્ટોર તમામ આરોગ્ય સુવિધાઓની ચકાસણી કરી હતી. આ ઉપરાંત પોશીના લાંબડીયા અને ખેડબ્રહ્માના મટોડા ખાતે રૂ. ૬૧૯ લાખના ખર્ચે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તેમજ રૂ. ૩૨૧.૮૫ લાખના ખર્ચે તૈયાર કરાયેલા કડીયાદરા, ડોભાડા,બામણા, દેમતીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને  રૂ. ૧૩૯.૦૭ લાખના ખર્ચે નિર્માણધીન એકલારા, પાનોલ, ગઢા, રાયગઢ, હાથરોલ, ગલોડીયા, પીપોદરા અને વરતોલના પેટા આરોગ્ય કેન્દ્રનું આરોગ્યમંત્રીના હસ્તે લોકાપર્ણ કર્યુ હતું.
  આ પ્રસંગે ઇડરના ધારાસભ્ય હિતુ કનોડીયા અને પૂર્વમંત્રી શ્રી રમણલાલ વોરાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યુ હતું. જયારે મહેમાને સ્વાગત આવકાર આરોગ્ય વિભાગીય નિયામક ડૉ. બીના વડાલીયાએ આપ્યો હતો અને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્ર પટેલે આભાર વ્યકત કર્યો હતો.  
લોકાપર્ણ વેળાએ સાસંદ  દિપસિંહ રાઠોડ, રાજયસભાના સાસંદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા,  જિલ્લા સમાહર્તા સી.જે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્ર પટેલ, ઇડર નગરપાલિકા પ્રમુખ જયદતસિંહ પુવાર, અગ્રણી જે.ડી.પટેલ, પૃથ્વીરાજ પટેલ, જેઠાભાઇ પટેલ, પ્રેમલભાઇ દેસાઇ, શંશાક મહેતા સહિત આરોગ્ય વિભાગના તબીબ અને કર્મીઓ તેમજ આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:28 pm IST)