ગુજરાત
News of Saturday, 24th September 2022

ગૌશાળાનું આંદોલન વેગવંતુ :ભુજની મામલતદારકચેરીને બનાવ્યું ગોચર: કચેરીમાં છોડયા માલઢોર

બનાસકાંઠા અને પાટણ બાદ હવે કચ્છમાં પણ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ ગાયની સહાય માટે આંદોલન શરુ કર્યું:

અમદાવાદ :રાજ્યમાં ચાલી રહેલા આંદોલનમાં ગૌશાળાનું આંદોલન હવે વેગ પકડી રહ્યું છે. ગૌશાળા અને પાંજરા પોળ માટે સરકાર દ્વારા ૫૦૦ કરોડની સહાય જાહેર કરવામાં આવી હતી. જેની ચુકવણી આજદિન સુધી નહી થતા સંચાલકો હવે પોતાની માંગણી અને ગાયોના નિભાવ માટે સરકાર વિરુદ્ધ આંદોલન જલદ બનાવ્યું છે. ગૌશાળાના સંચાલકો અને સાધુ સંતોએ અનેક વાર આવેદનપત્રો, રેલીઓ, ધરણાં પ્રદશન કર્યા બાદ અનેક ગૌપ્રેમીઓ અને સંતો ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા બાદ પણ સરકાર ગૌશાળાના સંચાલકો તરફ ધ્યાન આપ્યું નથી.

બનાસકાંઠા અને પાટણ બાદ હવે કચ્છમાં પણ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ ગાયની સહાય માટે આંદોલન શરુ કર્યું છે. કચ્છપાંજરાપોળના સંચાલકોએ ગાયો ને ભુજ મામલતદારની કચેરી ખાતે છૂટી મૂકી છે. સરકારે સબસીડી ન અપાતા સંચાલકો રોષે  ભરાયા છે. અને ભુજની મામલતદાર કચેરી ખાતે આશરે ૩૦૦ જેટલી ગાયો છૂટી મુકવામાં આવી છે. અગાઉ પણ અનેક વખત  આંદોલનો કરી ચીમકી અપાઈ હતી.

અત્રે નોધનીય છે કે ગતરોજ શુક્રવારે બનાસકાંઠાના પાંજરાપોળ  સંચાલકો દ્વારા પણ હાઇવે ઉપર ગાયો છૂટી મુકીને હાઇવે ને બ્લોક કરવામાં આવ્યો હતો.

કોરોના કાળ બાદ પાંજરાપોળ સંચાલકોને મળતા દાનની રકમમાં મોટો ઘટાડો થયો છે. . જેને લઇ તેમને ગાયોના નિભાવ માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે. ગાયોના સારા નીરણ અને રખરખાવ માટે સરકાર દ્વારા ગૌશાળા માટે રૂ. ૫૦૦ કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જેની આજ દિન સુધી ચુકવણી કરવામાં આવી નથી. જેને લઇ ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

(8:45 pm IST)