ગુજરાત
News of Friday, 24th September 2021

સ્પિડ બ્રેકર નાખનાર સરપંચ સામે હત્યાનો ગુનો નોંધાયો

છોટા ઉદપુર જિલ્લાના સરપંચ કાયદો તોડતાં ફસાયા : અચલા ગામ ખાતે રસ્તા પર આવતા વળાંક પછી સરપંચ અને તેના સહાયકે ગેરકાયદેસર સ્પીડ બ્રેકર બનાવ્યું

વડોદરા, તા.૨૪ : છોટા ઉદેપુર જિલ્લાના એક સરપંચ વિરુદ્ધ ગેરકાયદે સ્પીડ બ્રેકર બનાવવા અને તેના કારણે બુધવારે રાત્રે બે લોકોના જીવ જવાથી તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થાય બાદ આ બાબતની જાણ પોલીસને થતાં સરપંચ અને તેના સહાયક વિરુદ્ધ ગેરઈરાદતન હત્યાનો ગુનો નોંધ્યો છે. સરપંચ વિક્રમ રાઠવા અને ટ્રેક્ટર ડ્રાઈવર ભાવસિંહ રાઠવા જેમણે મળીને આ સ્પીડ બ્રેકર બનાવ્યું હતું તેમની વિરુદ્ધ છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે જણાવ્યું કે, વિક્રમ અને ભાવસિંગે બુધવારે સાંજે અચલા ગામ ખાતે ભરકુંડા ફળીયામાં રસ્તા પર આવતા વળાંક પછી સ્પીડ બ્રેકર બનાવ્યું હતું. સરપંચને લાગ્યું કે મુસાફરો આ રોડ પર ભારે સ્પીડમાં આવે છે અને વળાંક હોવાથી ઘણીવાર અકસ્માતો સર્જાય છે. જેથી તેમણે પોતાની રીતે જ માટી અને બાંધકામના કચરાનો ઉપયોગ કરીને ગેરકાયદેસર સ્પીડ બ્રેકર બનાવ્યું હતું.

તેવામાં બુધવારે મોડી સાંજે મૃતકો પૈકી એક કનુ રાઠવા (૫૨) અને તેનો મિત્ર ઈશ્વર રાઠવા અચલા ગામ થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યારે સવારે બંને આ જ રસ્તા પરથી પસાર થયા હતાં ત્યારે સ્પીડ બ્રેકર નહોતું. જેથી પરત ફરતી વખતે કનુએ સ્પીડ બ્રેકર હોવા અંગે ધારણા ન હતી. તેવામાં અચાનક સ્પીડ બ્રેકર આવતા વાહન ચલાવતી વખતે તેમણે નિયંત્રણ ગુમાવ્યું હતું.

જેમાં કનુએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો જ્યારે ઈશ્વરને ડાબા હાથ અને પગમાં સામાન્ય ઈજા થઈ હતી. તેમના અકસ્માત બાદ તરત જ થોડા સમયમાં એક દંપતી - સોનિયાભાઈ રાઠવા (૬૦) અને ઝીણી રાઠવા પણ તે જ જગ્યાએ અકસ્માતનો ભોગ બન્યા. સોનિયાભાઈએ અંધારાને કારણે સ્પીડ બ્રેકર ન જોયું અને અકસ્માત થયો.

સોનિયાભાઈને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું જ્યારે ઝીણીને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં આ રીતે થયેલા બે અકસ્માતની માહિતી ફેલાતાની સાથે જ સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.

સ્થાનિકોની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું કે સરપંચ અને ભાવસિંગે સ્પીડ બ્રેકર બનાવ્યું છે. બાદમાં ઈશ્વરની ફરિયાદના આધારે સરપંચ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનના નિરીક્ષક જે. કે. પટેલે જણાવ્યું હતું કે, 'અમે વિક્રમની અટકાયત કરી છે અને તે ક્વોરેન્ટાઇનમાં છે કારણ કે તેનો કોવિડ -૧૯ ટેસ્ટ બાકી છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન, તેણે જણાવ્યું કે આ રસ્તા પર વળાંક હોવાથી ઘણા એક્સિડેન્ટ થતાં હતા જેથી વાહનોની ઝડપ ધીમી કરવા માટે અને એક્સિડેન્ટ ઓછા થાય તે માટે તેમણે આ સ્પીડ બ્રેકર બનાવવાનું નક્કી કર્યું હતું. પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે સરપંચ પાસે જાહેર માર્ગ પર સ્પીડ બ્રેકર બનાવવાની સત્તા નથી. ગુરુવારે સાંજે પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ અને આરટીઓ ના વરિષ્ઠ અધિકારીઓએ સ્થળની તપાસ માટે મુલાકાત લીધી હતી.

(9:08 pm IST)