ગુજરાત
News of Friday, 24th September 2021

સુરતના કાપડ બજાર વિસ્તારમાં ચોમાસાની ઋતુમાં રિંગરોડ વિસ્તાર લોકો માટે ત્રાસરૂપ બન્યો

સુરત:શહેરના કપડા બજાર વિસ્તાર દેશની સૌથી મોટામાં મોટી મંડી છે અને રિંગરોડ શહેરની શાન છે. પરંતુ હાલમાં ચોમાસાની ઋતુમાં રિંગરોડ વિસ્તાર ત્રાસરૂપ બની ગયો છે. ઠેર ઠેર ખાડા ખાબોચિયાને કારણે રિંગરોડની ચમક અને શાન ગુમાવી દીધી છે.

મુખ્ય મંડી હોવાને કારણે દેશભરમાંથી વેપારીઓ સુરત આવે છે. પરંતુ અહીંના રોડ-રસ્તાઓ જોઈને સૌ કોઈને આંચકો લાગે છે. કાપડ માર્કેટના એક વેપારીએ જણાવ્યું કે રેશમવાલા માર્કેટથી જેજે માર્કેટ સુધી વિસ્તારમાં ખાડા ખાબોચિયાને કારણે પસાર થવું પણ અઘરું થઈ પડ્યું છે.

રિંગ રોડ વિસ્તારના રસ્તાઓની હાલત અંગે સુરત મહાનગર પાલિકાના જેતે વિભાગને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોઈ પરિણામ નથી. અહીં જમીન પરની હાલત કંઈક જુદી છે. રોજેરોજ હજારો વાહનો અહીંથી પસાર થાય છે અને સંખ્યાબંધ મુલાકાતીઓ માર્કેટ આવતાં હોય છે. છતાં રસ્તાની સારી સુવિધા સુધ્ધાં નથી.

(5:58 pm IST)