ગુજરાત
News of Thursday, 24th September 2020

અમદાવાદ મ્‍યુનિ. અેસ્‍ટેટ વિભાગ દ્વારા જુહાપુરામાં પરવાનગી વગર બનેલી ૧ર દુકાન તોડી પડાઇ : શાહપુરમાં પણ દબાણ દૂર કરાયું

અમદાવાદ: મ્‍યુનિસિપલ કોર્પોરેશનના અેસ્‍ટેટ વિભાગ દ્વારા જુહાપુરમાં પરવાનગી વગર બનેલી ૧ર  દુકાન તોડી પડાઇ હતી. તેમજ શાહપુરમાં પણ દબાણ દૂર કરાયું છે.

આ અંગેની વધુ વિગતો જોઇઅે તો અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં ઇલેકશન વોર્ડ મક્તમપુરામાં જુહાપુરા વિસ્તારમાં આવેલી મુસ્કાન ગાર્ડન પાસે ટી.પી. સ્કીમ નં. 1 ( વેજલપુર )માં સમાવિષ્ટ મક્તમપુરાના રેલવે સર્વે નં. 682માંથી કપાત થઇ 18.00 મીટરના ટી.પી. રસ્તામાં ભળતી જગ્યામાં બિન પરવાનગીએ 12 દુકાનો પ્રકારનું કોમર્શીયલ બાંધકામ શરૂ કર્યું હતું. બાંધકામ કરનારને પી.જી.પી.એમ.સી. એક્ટની જોગવાઇ અનુસારની નોટિસ બજાવી બાંધકામ આગળ વધતું અટકાવવા સીલ કરવામાં આવેલ છે. બાંધકામ દૂર કરવા વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી.

બુધવારના રોજ પોલીસ બંદોબસ્ત મળતાં સદરહુ બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરી દરમિયાન 10 બાય 120 ફૂટ જગ્યામાં લિન્ટલ લેવલ સુધી કરવામાં આવેલી 12 દુકાન તથા 1 પતરાંના શેડનું બાંધકામ પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ એસ્ટેટ, નગર વિકાસ ખાતુ તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના સમગ્ર સ્ટાફ દ્વારા બે દબાણ ગાડી, 5 મજૂરો, 1 જેસીબી મશીન તથા ડમ્પરની મદદથી દૂર કરી રસ્તા માટે અંદાજીત 1200 ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.

જ્યારે શાહપુર વોર્ડમાં અંકલેશ્ચરીયાની ચાલીની સામે ઇન્દિરાનગર પે એન્ડ યુઝ ટોયલેટથી રામલાલના ખાડા તરફ જવાના ટી.પી. રસ્તામાં ટ્રાફિકમાં અડચણરૂપ થતા સ્થાનિક વ્યવસાય દબાણ દૂર કરવામાં આવ્યું. અહીં કાચા-પાકા કોમર્શિયલ શેડ નંગ 35, ઓટલા નંગ 45, ક્રોસ વોલ નંગ 26, જેસીબી મશીનથી દૂર કરવામાં આવ્યું. તથા 9 નંગ પરચુરણ દબાણ પણ દૂર કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સેટેલાઇટ જોધપુર રોડ પરના સત્યાગ્રહ છાવણી બંગલાની કોટની દિવાલ તોડીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં બિન પરવાનગીએ બનેલા બાંધકામો, ટી.પી. રસ્તા, ફૂટપાથ પરના દબાણો, પાર્કીંગની જગ્યામાં તથા મ્યુનિ. રિઝર્વ પ્લોટમાં થયેલા દબાણો, બાંધકામો દૂર કરવાની કામગીરી સઘન રીતે રાખવામાં આવશે.

 

(9:43 pm IST)