ગુજરાત
News of Thursday, 24th September 2020

વેસ્ટર્ન રેલવે દ્વારા લોકડાઉનમાં સેવા માટે વલસાડની 4 સંસ્થાને સન્માન કરાયું

વલસાડ મુસ્લિમ સમાજ, ગુરુદ્વારા પ્રબંધક, જગન્નાથ મંદિર , જે.સી આઈ વલસાડ અને સહકાર એમ્બ્યુલન્સની ટીમે એક મહિનામાં 18 હજાર લોકોને ભોજન પુરું પાડ્યું હતુ

(કાર્તિક બાવીશીદ્વારા ) વલસાડ : સેવાભાવી સંસ્થાઓએ લોક ડાઉન દરમિયાન સેવાના કાર્યમાં જોતરાઇ ગઇ હતી. અનેક સંસ્થાઓ દ્વારા ભુખ્યાને ભોજન આપવાનું કાર્ય કર્યું હતુ. આવા કાર્યમાં વલસાડની ચાર સંસ્થાઓમાં મુસ્લિમ સમાજ, ગુરુદ્વારા પ્રબંધક, જગન્નાથ મંદિર અને સહકાર એમ્બ્યુલન્સ ટ્રસ્ટની ટીમે વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન સાથે ભુખ્યાઓને ભોજન પુરુ પાડવા મંડી પડી હતી. આ તમામ સંસ્થાઓએ રેલવે ગોદીમાં સતત 1 મહિના સુધી પોતાની સેવા આપતા વેસ્ટર્ન રેલવેએ તેની નોંધ લીધી હતી. તેમજ તેમની સેવાને બિરદાવી પ્રશંસાપત્ર એનાયત કર્યું છે. રેલવે દ્વારા ટ્રસ્ટને પ્રશંસાપત્ર આપવાની આ ઘટના ખુબ જવલ્લે જ બનતી હોય છે

   વલસાડ મુસ્લિમ સમાજ, ગુરુદ્વારા પ્રબંધક, જગન્નાથ મંદિર અને સહકાર એમ્બ્યુલન્સ ટ્રસ્ટે ધાર્મિક એક્તાનું અનોખુ ઉદાહરણ પુરુ પાડી ખભેથી ખભા મિલાવી ભુખ્યાને ભોજન પુરું પાડવા મંડી પડ્યા હતા. તેમણે તેની શરૂઆત રેલવે ગોદીમાં આવતા કામદારોથી કરી હતી. આ તમામ સંસ્થા દ્વારા વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયનનના સથવારે 150 કામદારોને સતત એક મહિના સુધી બે સમયનું ભોજન પુરું પાડ્યું હતુ. આ દરમિયાન તેમના દ્વારા રેલવેમાં અટવાઇ પડેલા મુસાફરોને પણ ભોજન પુરું પડાયું હતુ. તેમની આ સેવાથી પ્રભાવીત થઇ રેલવેના ઉચ્ચ અધિકારીઓથી લઇ સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમની સેવા બિરદાવવા ત્યાં પહોંચ્યા હતા. તેમની આ સેવાની ધૂંણીમાં ભોજન કરનારા ગરીબોનો વધારો થતો જ રહેતો હતો. ત્યારબાદ વલસાડના ગરીબોને ભોજન માટે રેલવેની ગોદી હબ બની ગયું હતુ.
  રેલવેમાં થતી આ પ્રવૃત્તિ અંગે મુંબઇ સ્થિત ઉચ્ચ અધિકારીઓએ નોંધ લીધી હતી અને ડિવિઝનલ રેલવે મેનેજર જી.વી.એલ.સત્યકુમારે આ સેવાને બિરદાવી ચાર સંસ્થાઓને એક પ્રશંસા પત્ર મોકલ્યો છે. આ પત્ર એરિયા રેલવે મેનેજર અનુ ત્યાગીના હસ્તે ચાર સંસ્થાઓના કર્તાહર્તાઓને આજરોજ સુપ્રત કરાયો છે.તેમજ વલસાડના અનાવિલ સમાજ, રામવાડી મિત્ર મંડળ, સેવા મિત્ર મંડળ, નાના તાઈવાડ યુથ, મનીયાર ફાઉન્ડેશન તેમજ ગો કોરોના ઓલ એન જી ઓ વલસાડ સંસ્થાઓનેલોકડાઉન પિરિયડ માં રેલવે ગોદી ની સેવા માં સહયોગી રહેવા બદલ એરિયા મેનેજર વલસાડ અનુ ત્યાગી દ્વારા પ્રશંસા પત્ર આપવામાં આવ્યું હતું.
આ  કાર્યક્રમ માં ડેપ્યુટી એસ.એસ. કોમર્સયલ વિજય.ડી, વેસસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ના ડીવીઝનલ ચેરમેન પ્રકાશ સાવલકર વલસાડ બ્રાચ ના સેક્રેટરી હુસેન બેલીમ, કોમરસ્યલ  ઈન્સ્પેકર ગણેશ જાદવ તેમજ ગો કોરોના વલસાડ ઓલ એન.જી.ઓ ના કોડીનેટર નિલેષ ભાઈ અજાગીયા, પ્રીતિ પાંડે, ઇકબાલ કુરેશી, રાજ પટેલ, અક્કી, બુરહાન ટેલર, હેમાક્ષી બેન બીટ્ટુ ભાઈ તેમજ અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.રેલવે ગોદી પર થયેલ સેવા કાર્ય નો અહેવાલ રેલવે પ્રશાસન ને ડેપ્યુટી એસ.એસ કોમર્સયલવિજય.ડી દ્વારા મોકલાવા માં આવ્યુ હતું

(9:37 pm IST)