ગુજરાત
News of Thursday, 24th September 2020

કોરોના ઈફેક્ટ :આણંદ જિલ્લાના 6 ગામોમાં 29 સપ્ટેમ્બર સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

બપોરના 12 વાગ્યા બાદ નાના-મોટા વેપારીઓ દ્વારા ધંધા-વેપાર-દુકાનો બંધ રહેશે

આણંદ : રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહયો છે ત્યારે રાજ્યમાં કોરોનાને કારણે કેટલાંક ગામડાંઓ, તાલુકા અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન શરૂ કરી દેવાયું છે. રાજ્ય સરકારે તો અનલોક દ્વારા છૂટછાટ આપી છે. પરંતુ આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ પગપેસારો કરતા 6 ગામડાંઓમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે જેનાં લીધે આ 6 ગામડાંઓમાં બપોરના 12 વાગ્યા બાદ તમામ નાના-મોટા વેપારીઓ દ્વારા પોતાના ધંધા-વેપાર-દુકાનો બંધ કરી દેવામાં આવી છે. જેને લીધે આ 6 ગામડાંઓમાં કોરોના સંક્રમણને અટકાવવામાં લોકડાઉનને થોડેક અંશે સફળતા મળી હતી.

 વાસદ ગામમાં વધતા જતા કોરોના સંક્રમણને રોકવા માટે છ ગ્રામ પંચાયત દ્વારા આજથી 29મી સપ્ટેમ્બર સુધીનું લોકડાઉન જાહેર કરાતા આજે બપોરના 12 વાગ્યા બાદથી જ તમામ ગામોમાં તમામ દુકાનો અને લારી ગલ્લાઓ બંધ થઈ ગયા હતાં. નાના-મોટા વેપારીઓ સહિત લારી ગલ્લાંવાળાઓ પણ લોકડાઉનમાં જોડાતા બજારો સુમસામ જોવા મળ્યાં હતાં.

 

વીરસદ, વાસદ, મોગરી, ધર્મજ, કરમસદ અને સારસામાં નગરજનો સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયા હતાં. દરેક ગામડાઓમાં બપોરના 12 વાગ્યા બાદ દવાની દુકાનો સહીત તમામ આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો પણ બંધ જોવા મળી હતી અને ગામનાં નાગરીકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ગ્રામજનો દ્વારા લોકડાઉનને આવકારવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. છેલ્લાં કેટલાંક દિવસથી રાજ્યમાં 1400થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યાં છે. જ્યારે આજે તેમાં થોડી રાહત મળી છે. આજે 1350થી વધુ કેસો નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળા દરમિયાન 15 દર્દીઓએ દમ તોડ્યો છે. જ્યારે 1289 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. નોંધનીય છે કે રાજ્યમાં પહેલા 70 હજારથી વધુ કોરોના ટેસ્ટ થતા હતા પરંતુ છેલ્લાં કેટલાંક દિવસથી ટેસ્ટની સંખ્યા ઘટાડવામાં આવી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1372 કોરોનાના કેસ નોંધાયા છે, તેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,27,541એ પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 15 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 3370એ પહોંચ્યો છે.

(6:46 pm IST)