ગુજરાત
News of Thursday, 24th September 2020

વલસાડ કોંગ્રેસ કાર્યાલય બહારના દબાણઓ હટાવતા સન્નાટો

કોંગીઓ દ્વારા કોઇ વિરોધ થયો ન હોય શાતિપૂર્ણ માહોલમાં કામગીરી પૂર્ણ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ: વલસાડ પોલીસ  અને પાલિકાએ મળીને આજરોજ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન જિલ્લા કોંગ્રેસના કાર્યાલય બહાર બનાવાયેલો ગેરકાયદેસર શેડ તોડી પાડ્યો હતો. જેના પગલે સન્નાટો છવાઇ ગયો હતો. આ ડિમોલિશનનો કોંગીઓ દ્વારા કોઇ વિરોધ થયો ન હોય શાતિપૂર્ણ માહિલોમાં કામગીરી પૂર્ણ થઇ હતી.
 વલસાડના એસપી ડો. રાજદિપસિંહ ઝાલાએ શહેરને ટ્રાફિક મુક્ત કરવા હાથ ધરેલા અભિયાન અંતર્ગત ચીફ ઓફિસર જે . યુ. વસાવા, સિટી પીઆઇ ભટ્ટ તેમજ અન્ય પોલીસના માણસો ડિમોલિશન કામગીરીમાં જોતરાયા હતા. પાલિકા દ્વારા લવાયેલા જેસીબી દ્વારા કોંગ્રેસ ઓફિસનો બહાર બનેલો ઓટલો અને શેડ તોડી પડાયા હતા. તેની સાથે કોંગ્રેસી કાર્યકરોએ આ શેડના પતરા જાતે ખોલાવવાની શરૂઆત કરી હતી. આ સિવાય તેને લગોલગ આવેલી મોબાઇલની દુકાનો દ્વારા રોડ પર બનાવેલા શેડ તોડી પડાયા હતા. જેના કારણે પાર્કિંગની મોટી જગ્યા ખુલ્લી થઇ ગઇ હતી.
 પાલિકા અને પોલીસની આ કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો. શહેરમાં આ પ્રકારના ડિમોલિશન હજુ આગામી સમય સુધી ચાલશે એવા અણસાર પાલિકા અને પોલીસ વિભાગે આપી દીધા હતા.

(6:37 pm IST)