ગુજરાત
News of Thursday, 24th September 2020

સુરતના પરવત ગામ વિસ્તારમાં પતિથી અલગ રહી બ્યુટી પાર્લર ચલાવતી મહિલા પર પતિનો એસિડ એટેક થતા ચકચાર

સુરત: શહેરના પરવત ગામ વિસ્તારમાં ત્રણ માસ અગાઉ બ્યુટી પાર્લર શરૂ કરનાર મહિલા ઉપર ગત બપોરે તેના પતિએ બ્યુટી પાર્લરમાં આવી એસિડ ફેંક્યું હતું. જોકે, મહિલા ખસી જતા બચી ગઈ હતી. શક કરતા પતિએ મહિલાએ જે દિવસે બ્યુટી પાર્લર શરૂ કર્યું ત્યારે ત્યાં આવી માર મારતા મહિલા હાલ માતાપિતાને ત્યાં રહે છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, હાલ સુરતના પરવત પાટીયા ખાતે માતાપિતાને ત્યાં રહેતી 31 વર્ષીય સીમા ( નામ બદલ્યું છે ) ના લગ્ન 13 વર્ષ અગાઉ સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા સમીર સાથે થયા હતા. લગ્નના બે ત્રણ વર્ષ બાદ સમીર સીમા ઉપર શક કરી અવારનવાર ઝઘડો કરતો હતો. દરમિયાન, ગત 19 જૂનના રોજ સીમાએ તેની ફ્રેન્ડ સાથે ભાગીદારીમાં પરવત ગામ વિસ્તારમાં બ્યુટી પાર્લર શરૂ કર્યું હતું. સમીર તે દિવસે જ બ્યુટી પાર્લર ઉપર પહોંચ્યો હતો અને સીમા સાથે ગાળાગાળી કરી માર માર્યો હતો. આથી સીમા તેના માતાપિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી.

દરમિયાન, સીમા અને તેની ભાગીદાર ફ્રેન્ડ ગત બપોરે તેમના બ્યુટી પાર્લર ઉપર હાજર હતા ત્યારે સમીર ત્યાં આવ્યો હતો અને સીમાને બાળકો અંગે પૂછી ઝઘડો કરી સાથે લાવેલી પ્લાસ્ટીકની થેલીમાંથી પ્લાસ્ટીકની એસિડની બોટલ કાઢી સીમા ઉપર ફેંક્યું હતું. જોકે, સીમા ખસી જતા બચી ગઈ હતી અને એસિડ થોડું જમીન ઉપર અને થોડું વ્હીલચેર ઉપર પડતા નીકળેલા ધુમાડાને લીધે સીમાને આંખમાં બળતરા થયા હતા. સીમા અને તેની ફ્રેન્ડે બુમાબુમ કરતા સમીર સીમાને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ સીમાએ ગતરાત્રે સમીર વિરૂદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમીરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઇ કરી રહ્યા છે. 

(5:29 pm IST)