ગુજરાત
News of Thursday, 24th September 2020

વડોદરા જિલ્લામાં દારૂ ઘુસાડાતા નેટવર્કનો પર્દાફાશ કરી પોલીસે બે પરપ્રાંતીય શખ્સોને ઝડપી પાડ્યા

વડોદરા:જિલ્લામાં ઘૂસાડાતા દારૃના નેટવર્કનો પર્દાફાશ કરી પોલીસે બે પરપ્રાંતિયોને ઝડપી પાડયા છે. વડોદરા નજીક માઘવનગર ખાતે એક આયશર ટેમ્પાને રોકી રાત્રે પોલીસે કોટનના કપડા ભરેલા બોક્સોની આડમાં લઇ જવાતી દારૃની ૧૮૩૬ બોટલો કબજે કરી વધુ તપાસ શરૃ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે વડોદરાથી આજવા તરફ જવાના માર્ગ પર ગઇ રાત્રે જિલ્લા એલસીબીએ બાતમીના આધારે વોચ ગોઠવી લાલ રંગના એક આયશર ટેમ્પાને રોકી તપાસ કરતા કોટનના કપડા ભરેલા બોક્સ જણાયા હતાં. આ બોક્સીસને હટાવી જોતા વિવિધ બ્રાંડની દારૃની બોટલોનો મોટો જથ્થો મળ્યો હતો. આ અંગે ડ્રાઇવર સુંદરસીંગ નત્થીસીગ જાટ (રહે.જાટોલી રતભાન, તા.ભરતપુર, રાજસ્થાન) અને તેની સાથેના માણસનું નામ અજય રાજારામ ચિકછત્રી (રહે.ભાવુકા નઘલા, જી.ફરીદાબાદ, ઉત્તર પ્રદેશ)ની પૂછપરછ કરતા તેઓની પાસે દારૃની હેરાફેરીનું લાયસન્સ નહી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે રૃા.૧૨.૮૮ લાખ કિંમતનો દારૃ, આયશર ટેમ્પો, કોટનના કપડાના ૫૦૦ બોક્સ, બે મોબાઇલ મળી કુલ રૃા.૨૨.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૃના જથ્થા અંગે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હરિયાણાના લોકેશ પહેલવાને દારૃ ભરેલો ટેમ્પો રાજસ્થાનના ભરતપુર ખાતે લાવીને આપ્યો હતો અને બાદમાં ટેમ્પો વડોદરાથી આજવા તરફ લઇ જવાતો હતો. લોકેશ વોટ્સએપ કોલથી વાત કરતો હતો અને તે કહે તેને ગાડી આપવાની હતી.

(5:26 pm IST)