ગુજરાત
News of Thursday, 24th September 2020

વડોદરાના ન્યુ સમા રોડ વિસ્તારમાં માસ્ક પહેરવાનું કહેતા વેપારી પર ટોળાનો હુમલો:ફર્નિચરના શોરૂમમાં તોડફોડ કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના ન્યૂ સમા રોડ વિસ્તારમાં સેવા સપ્તાહ નિમિત્તે સફાઈ કામ કરતા ફર્નિચરના એક વેપારી ઉપર ટોળાએ હુમલો કરી વાહન અને ફર્નિચરના શોરૂમમાં તોડફોડ કરી હતી.

નવું સમારોહની સંકેત સોસાયટીમાં રહેતા ફર્નિચરના વેપારી પ્રણવભાઈ મહેતા ગઈ કાલે સવારે પોતાના કમ્પાઉન્ડની બહાર સાફ સફાઈનું કામ કરતા હતા તે દરમિયાન નજીકમાં આવેલી અભિલાષા ચોકડી પાસેથી કેટલાક શ્રમજીવીઓ નીકળ્યા હતા.

આ પૈકી એક શ્રમજીવી એ થૂકતા પ્રણવભાઈ ના હાથ બગડ્યો હતો. જેથી તેમણે શ્રમજીવીને માસ્ક પહેરવાનું કહી માસ્ક ના હોય તો હું આપુ... તેમ કહ્યું હતું.

દરમિયાનમાં આઠથી દસ શ્રમજીવીઓનું ટોળું ધસી આવ્યું હતું અને પ્રણવભાઈ પર હુમલો કર્યો હતો. તેઓ ઘરમાં દોડી જતા હુમલાખોરોએ પથ્થરમારો કરી ફર્નિચરના શોરૂમમાં નુકસાન કર્યું હતું તેમજ કારની પણ તોડફોડ કરી હતી. આ વખતે વેપારીની પુત્રી દોડી આવતા તેને પણ ઇજા થઇ હતી. સમા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:25 pm IST)