ગુજરાત
News of Thursday, 24th September 2020

અમદાવાદ જિલ્લાને ૧૫૨૭.૫ કરોડની સહાય જાહેર કરતા સૌરભ પટેલ

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાને ૪૮૧.૫૭ કરોડની સહાય

પરેશ ધાનાણીએ કહ્યું આ યોજના પેકેજ છે કે પડીકું તેમ કહેતા જ નીતિનભાઈ પટેલે ઉશ્કેરાઈ ગયા

(અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ અમદાવાદ અને રાજકોટ જિલ્લામાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના સંદર્ભે ટૂંકી મુદતના પ્રશ્નના જવાબમાં ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે વૈશ્વિક રોગચાળાને વધુ ફેલાતો અટકાવવા માટે બે મહિના સુધી રાજયભરમાં લોકડાઉન કરવામાં આવેલ. જેને લીધે અન્ય વિકસિત દેશોની સરખામણીમાં કોરોના રોગચાળાથી ગુજરાત ઓછું પ્રભાવિત થયું છે. કોવિડ-૧૯ રોગચાળાને પહોંચી વળવા માટે રાજય સરકારે ખાદ્ય સુરક્ષા, આરોગ્ય સેવા સંબંધિત ક્ષેત્રોમાં અનેક પગલાં લીધા છે. પરંતુ રાજયમાં કોવિડ-૧૯ મહામારીના કારણે રાજયની અર્થ વ્યવસ્થા ઉપર વિપરીત અસર થયેલ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, કોવિડ- ૧૯ પછીની મહામારીની પરિસ્થિતિ હેઠળ રાજકોષીય પુનર્ગઠન સહિતના આર્થિક પુનરૂત્થાનના પગલાં પર ચર્ચા કરવા અને સૂચક પગલાં પૂરા પાડવા માટે વિવિધ આર્થિક ક્ષેત્રોના નિષ્ણાતોની એક સમિતિ (અઢિયા સમિતિ)ની રચના કરવામાં આવી છે. સમિતિની ભલામણને ધ્યાનમાં રાખીને રાજયના તમામ વર્ગના નાગરીકોને નાણાકિય સહાય પુરી પાડવાના હેતુથી તા.૦૫/૦૬/૨૦૨૦ના રોજ રૂ.૧૪૦૨૨.૨૬ કરોડના ''ગુજરાત આત્મનિર્ભર પેકેજ હેઠળ'' યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.

પેકેજના મુખ્ય ઘટકોઓ મુજબ છે.

પ્રોપર્ટી ટેકસ, વીજ બિલ અને વાહન કરમાં માફી અને રાહત (રૂ.૨૩૦૦ કરોડ), ઉદ્યોગો અને વ્યવસાય માટે પ્રોત્સાહક સબસિડી (રૂ.૩૦૩૮ કરોડ), વેટ અને જીએસટી કાયદા હેઠળ વહીવટી સરળતા, જીઆઈડીસીમાં ઉદ્યોગોને આર્થિક પ્રોત્સાહન અને વહીવટી સરળતા (રૂ.૪૫૮.૫૯ કરોડ), હાઉસિંગ સેકટર (રૂ.૧૦૦૦ કરોડ), કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ (રૂ.૧૧૯૮૦ કરોડ), સ્વરોજગાર (રૂ.૫૨૫ કરોડ), શ્રમિક કલ્યાણ (રૂ.૪૬૬ કરોડ), અન્ય રાહતો (રૂ.૫૦૪૪. ૬૭ કરોડ)

પૂરક પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવેલ કે આ યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાંૅ ૧૦૪૫.૪૮ કરોડ અને રાજકોટ જિલ્લામાં ૪૮૧.૫૭ કરોડ આમ કુલ ૧૫૨૭.૦૫ કરોડની રાહત જાહેર કરવામાં આવી છે.

આ તકે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે આ યોજના પેકેજ છે કે પડીકુ તેમ કહેતા ના.મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉશ્કેરાઈ ગયા હતા. વિધાનસભામાં થોડીવાર ભારે ધાંધલ ધમાલ મચી જવા પામી હતી.

(4:20 pm IST)