ગુજરાત
News of Thursday, 24th September 2020

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે ટેન્ડર બહાર પડાયું : વાપીથી વડોદરા વચ્ચે જ 20 હજાર કરોડનું કામકાજ

વડોદરાથી વાપી વચ્ચેના કોરીડોરમાં ચાર સ્ટેશન પણ બનાવાશે. જેમાં વાપી, સુરત, ભરુચનો સમાવેશ

અમદાવાદ : અમદાવાદ  મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામ સંભાળતી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિડેટે ((NHSRCL), બુલેટ ટ્રેનના કામકાજ માટે ટેન્ડર બહાર પાડ્યુ છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિડેટના કહેવા મુજબ સમગ્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આ સૌથી મોટુ કામ છે. જેમાં ગુજરાતના વાપી અને વડોદરા વચ્ચે બુલેટટ્રેન માટેના પ્રોજેક્ટના 47 ટકા ભાગનો સમાવેશ થાય છે.

મીડિયા રીપોર્ટ મુજબ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિડેટે બહાર પાડેલા ટેન્ડરમાં વાપીથી વડોદરા સુધીમાં પ્રોજેક્ટના 237 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાયો છે. જેના માટે 20 હજાર કરોડનું કામકાજ હાથ ધરાશે. વડોદરાથી વાપી વચ્ચેના કોરીડોરમાં ચાર સ્ટેશન પણ બનાવાશે. જેમાં વાપી, સુરત, ભરુચનો સમાવેશ થાય છે.

ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ બિડર્સે ભાગ લીધો છે. જેમાં કુલ સાત ઈન્ફ્રાસ્ટ્રકટર કંપનીનો સમાવેશ એફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર, ઈરકોન ઈન્ટરનેશનલ અને જેએમસી પ્રોજેક્ટ ઈન્ડિયાએ એકસાથે મળીને બોલી લગાવી છે. એ જ રીતે એનસીસી, ટાટા પ્રોજેક્ટ, જે કુમાર ઈન્ફ્રા પ્રોજેક્ટે સાથે મળીને બોલી લગાવી છે. તો લાર્સન એન્ડ ટુબ્રોએ એકલા જ બોલી લગાવી છે.

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિડેટના કહ્યા મુજબ 237 કિલોમીટર લાંબા પ્રોજેક્ટમાં 30 રસ્તા ઉપર અને 24 નદી ઉપરનું બાંધકામ કરવુ પડશે.પ્રોજેક્ટના 83 ટકા જમીન બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે હસ્તતરણ કરી લેવાઈ છે. અમદાવાદ મુંબઈ વચ્ચે 508 કિલોમીટરનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. જેમાં 349 કિલોમીટરનો વિસ્તાર ગુજરાતમાં છે. મહારાષ્ટ્રમાં આ પ્રોજેક્ટ સામે થયેલા વિરોધ સહીતના પરીબળને કારણે સમગ્ર પ્રોજેક્ટ માટેની જમીન સંપાદન થઈ શકી નથી.

(11:51 am IST)