ગુજરાત
News of Thursday, 24th September 2020

બેંકના કર્મચારીઓ માટે અનોખી ઓફરઃ સાયકલ લઇને આવોને મેળવો લાભ

સુરતની એક બેંકે શરૂ કરી નવી પહેલ : કર્મચારીઓ ફીટ રહે : પર્યાવરણને ફાયદો

સુરત,તા.૨૪ : પર્યાવરણ અને સ્વાસ્થ્યને સારૂ રાખવા માટેના ઉમદા કાર્યની શરૂઆત કરતા સુરત સ્થિત વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (VCB)એ સાઈકલ લઈને બેંકમાં આવતા પોતાના કર્મચારીઓને ઈન્સેન્ટિવ આપવાની યોજના શરૂ કરી છે.

વરાછા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન કાનજી ભલાલાએ અમારા સહયોગી TOIએ જણાવ્યું કે, અમે આ મહિનાથી સાઈકલ લઈને બેંક આવતા કર્મચારીઓને ૫૦૦ રૂપિયા પ્રતિ માસ ઈન્સેન્ટિવ આપવાનું શરૂ કર્યું છે. અમે ઓફિસથી ૪-૫ કિલોમીટરના અંતરે રહેતા કર્મચારીઓને આ 'સાઇકલ વર્ક કેમ્પેઈન'માં જોડાવા માટે કહ્યું છે અને તેઓ ખુશ છે ઉપરાંત ૧૫ જેટલા કર્મચારીઓ આ કેમ્પેઈનમાં જોડાઈ ચૂકયા છે. આગામી દિવસમાં ઘણા બધા કર્મચારીઓ પણ તેમાં જોડાશે.

ભલાલા વધુમાં જણાવે છે કે, આ વિચાર પાછળનો હેતુ સાઈકલિંગ દ્વારા કર્મચારીઓમાં કસરત કરવાની આદત કેળવવાનો છે. તેનાથી તેઓ સ્વસ્થ અને ફીટ રહેશે વાહનોનો ઉપયોગ ન થવાથી પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણને ફાયદો થશે. અમે આ વાતને પ્રમોટ કરવા ઈચ્છીએ છીએ અને લોકો પોતાના રોજિંદા કાર્યમાં સાઈકલનો ઉપયોગ કરે તેની વિનંતી કરીએ છીએ.

VCBના કર્મચારી જયેશ પરસાના કહે છે, જયારથી અમારી બેંકમાં આ કેમ્પેઈન લોન્ચ થયું છે, હું રોજ ઘરથી બોમ્બે માર્કેટની ઓફિસ સુધી ૪ કિમીનું સાઈકલિંગ કરું છે. આ માટે મને ૨૫ મિનિટનો સમય લાગે છે. તેનાથી હું સ્વસ્થ રહું છે પર્યાવરણને પણ ફાયદો થાય છે અને મને પૈસા પણ મળે છે.

VCBમાં પ્યૂનની નોકરી કરતા ધવલ રાણા કહે છે, હું નાનપુરાથી છેલ્લા ૨૦ દિવસથી સાઈકલ લઈને ઓફિસ આવું છું. હું હંમેશાથી સ્વાસ્થ્યના કારણોસર સાઈકલ ચલાવવા ઈચ્છતો હતો, જોકે હવે ઈન્સેન્ટિવના કારણે મને બે ફાયદા થઈ રહ્યા છે ઉપરાંત મારે રોજની મુસાફરીના ૨૦ રૂપિયાની પણ બચત થાય છે.

આટલું જ નહીં VCBના જનરલ મેનેજર વિઠ્ઠલ ધાનાણી પણ દર શનિવારે સાઈકલ લઈને ઓફિસ જાય છે. તેઓ કહે છે, કર્મચારીઓ આ ગ્રીન ટ્રાન્સપોર્ટ મોડનો ઉપયોગ કરે આ માટે તેમને પ્રોત્સાહિત કરવા હું દર શનિવારે સાઈકલથી ઓફિસ જઉં છું. હું લોકોને પણ વિનંતી કરું છું કે તેઓ પોતાના રોજિંદા જીવનમાં સાઈકલનો ઉપયોગ કરે.

ઉલ્લેખનીય છે કે VCB બેંકની સ્થાપના ૧૯૯૫માં કરવામાં આવી હતી. બેંકની અંકલેશ્વર, નવસારી અને અમદાવાદ સહિત અન્ય શહેરોમાં બ્રાન્ચ છે જેમાં ૩૫૦થી વધારે કર્મચારીઓ અંદાજે ૪.૫ લાખ ગ્રાહકોને સેવા આપે છે.

(11:39 am IST)