ગુજરાત
News of Thursday, 24th September 2020

રાત્રે ભરૂચના પાનોલીની પાર્થ કેમિકલ કંપનીમાં આગ ભભૂકી : સદનસીબે કોઈ જાનહાની નહીં

જ્વલનશીલ સોલ્વન્ટનો જથ્થો મોટી માત્રામાં સ્ટોર કરેલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

ભરૂચ : પાનોલી GIDCમાં આવેલી પાર્થ કેમિકલ કંપનીમાં ગતરાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્લાન્ટમાં મોટી માત્રામાં સોલ્વન્ટ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે, સદનસીબે આ આગ દુર્ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી.

 મળતી વિગત મુજબ  પાનોલી GIDCમાં આવેલી પાર્થ કેમિકલ કંપનીમાં રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલુ હતી. જે દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. કંપનીમાં મોટી માત્રામાં સોલ્વન્ટનો જથ્થો હતો. આ કંપની સોલ્વન્ટ રિકવરી કરે છે, જેથી જ્વલનશીલ સોલ્વન્ટનો જથ્થો મોટી માત્રામાં સ્ટોર કરેલો હતો. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

 આગના કારણે આસપાસની કંપનીઓમાં પણ દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. આ બનાવની જાણ થતા ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી

(10:26 am IST)