ગુજરાત
News of Thursday, 24th September 2020

ખેડા જિલ્લામાં ચાલુ આઇસર ગાડીમાં જુગાર રમતા 12 જુગારીઓ ઝડપાયા : પાઈલોટિંગ કરતી કાર સહિત 7 લાખના મુદ્દામાલ જપ્ત

એલસીબીએ 12 જુગારીઓ બે ડ્રાઈવર સહીત 15 લોકોની ધરપકડ કરી

ખેડા : ખેડા જિલ્લામાં ચાલુ આઇસર ગાડીમાં જુગાર રમતા 15 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આઈસર તેમજ પાઈલોટિંગ કરતી કાર સહિતના 7 લાખના મુદ્દામાલ સાથે તમામને ઝડપી ખેડા LCB દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 જિલ્લામાં રનીંગ ગેમ્બલિંગ જેવી જુગારની નવી ટેકનીક અપનાવતા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ખેડા LCBને બાતમી મળી હતી કે, ડભાણ ગામનો ઉસ્માન ગની ઉર્ફે મુન્નો કેટલાક માણસો ભેગા કરીને એક આઇસર ગાડીમાં બેસાડીને ચાલુ ગાડીમાં જુગારનો અડ્ડો ચલાવે છે અને પોતે અલ્ટો કારમાં આઇસર ગાડીની આગળ પાઈલોટિંગ કરે છે. જે બાતમીને આધારે આઇસર તથા અલ્ટો કારને LCB સ્ટાફે મૂલેજ રોડ ઉપર ઝડપી પાડી હતી. જેમાં પાઈલોટિંગ કરતી અલ્ટો કારના ચાલક તથા બાજુમાં બેસેલા શખ્શો તેમજ આઇસર ગાડીમાં જુગાર રમતા 12 શખ્શો તેમજ ડ્રાઈવર સહિત કુલ 15 ઇસમોને ઝડપી પાડી જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા અંગ જડતીમાંથી મળી આવેલા રોકડા રૂ.84,240 તેમજ દાવ પરથી મળી આવેલા રોકડા રૂ.2300 તથા 13 નંગ મોબાઇલ ફોન, આઈસર અને અલ્ટો કાર મળી કુલ રૂપિયા 7,08,640 ના મુદ્દામાલ સાથે તમામને ઝડપી પાડવામાં આવ્યા હતા

(10:25 am IST)