ગુજરાત
News of Thursday, 24th September 2020

વડોદરામાં ઝાડેશ્વરનગરમાં જુથ અથડામણમાં ટોળાએ પોલીસ પર હુમલો કરતા ASI ઘાયલ

ટોળાએ બાઇકને પણ આગ આપી હતી : ઘટના સ્‍થળે ચાંપતો બંદોબસ્‍ત ગોઠવાયો

વડોદરા : શહેરમાં ઘણી વાર જૂથ અથડામણ થતી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે તાજેતરમાં જ ઝાડેશ્વરનગર યુ.એલ.સી વસાહતમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી. જૂથ અથડામણમાં ટોળાંને વિખેરવા ગયેલી પોલીસ ટોળાંના ગુસ્સાનો ભોગ બની હતી. અથડામણમાં ટોળાંએ પોલીસની બાઇક સળગાવી દીધી હતી અને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં PCR વાનના એક ASIને ગંભીર ઇજા પહોંચી હતી.

નોંધનીય છે કે આ હુમલા બાદ ASIને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. જો કે બાદમાં તેમને હોસ્પિટલ લઇ જવાતા તેમના હાથમાં ફ્રેક્ચર હોવાનું માલૂમ થયું હતું. શહેરના અક્ષર ચોકથી સનફાર્મા રોડ પર ઝાડેશ્વરનગર યુ.એલ.સી વસાહતમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી. જો કે આ ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ઝાડેશ્વરનગરના યુ.એલ.સી વસાહત ખાતે રાત્રે બે જૂથ વચ્ચે કોઇ બાબતને લઈને તકરાર થઈ હતી. જ્યાર બાદ પોલીસ મામલાને થાળે પાડવા પહોંચી હતી. પરંતુ ઉલ્ટાનું પોલીસને જોઈને ટોળાંએ તેમની પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

આ દરમિયાન ટોળાંએ LRD જવાનની એક બાઇકને આગ પણ ચાંપી દીધી. આ હુમલામાં પથ્થરમારાને કારણે પોલીસ કંટ્રોલ રૂમની વાનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર (ASI) વિનોદભાઈના હાથને ગંભીર ઇજા પણ પહોંચી હતી. જેમાં ખાનગી હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ડૉક્ટરે તેમને હાથમાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું.

(8:45 am IST)