ગુજરાત
News of Thursday, 24th September 2020

ગુજરાતનાં દરેક વર્ગનાં સર્વાંગી વિકાસ માટે CM રૂપાણી પ્રતિબદ્ધ:મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના" થકી મહિલાઓનાં જીવનમાં આમૂલ પરિવર્તન

ICICI, HDFC તથા AXIS BANK સહિતની બેન્કો સાથે રાજ્ય સરકારે આ માટે MOU કર્યા: 65 અર્બન ક્રેડિટ સોસાયટીઓ, 43 કલસ્ટર સોસાયટીઓ સહિતના કુલ 367 મહિલા ગ્રૂપોને લોન અપાઇ ચૂકી

અમદાવાદ : વિપરીત  સંજોગો સામે મહિલાઓ માનભેર ઊભી રહે તે માટે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૧૦ બહેનોનું એક સખી મંડળ, એમ કુલ ૧૦ લાખ ‘સખી મંડળો’ નિર્મિત કરીને પ્રત્યેક સખીમંડળને રૂા.૧ લાખની લોન શૂન્ય ટકાના વ્યાજે આપવાનું આયોજન છે જેથી મહિલાઓ આજીવિકા રળીને સ્વયંને તથા તેના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકે. આ યોજના માટેનું ધિરાણ બેન્કો આપશે અને બેન્કોને વ્યાજ ચૂકવણું રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે, તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું. ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ અંગે આતુરતાપૂર્વક જણાવતા વિધાનસભાના મુખ્યનેતા તથા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ મહત્વાકાંક્ષી યોજના અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો ઉદેશ માત્ર 0 ટકા વ્યાજથી લોન ઉપલબ્ધ કરાવવાનો જ નહીં કિન્તુ બહેનોને આર્થિક દ્રષ્ટિએ આત્મનિર્ભર બનાવવા અંગેનો છે. નાની-મોટી આર્થિક પ્રવૃત્તિમાં કાર્યરત મહિલાઓ રોજબરોજના અર્થોપાર્જન હેતુ કોઇની પાસેથી વ્યાજે નાણાં લાવીને આર્થિક પ્રવૃત્તિઓ કરતી અમે જોઇ છે, જેનું વ્યાજ ભરપાઇ કરવામાં જ તેમની તમામ કમાણી ચાલી જતી હોવાનું ઘણું ખરું ધ્યાને આવ્યુ છે.
આ યોજનાની પ્રગતિ વિષે જણાવતા CM રૂપાણીએ જણાવ્યું હતું કે, ICICI, HDFC તથા AXIS BANK સહિતની બેન્કો સાથે રાજ્ય સરકારે આ માટે MOU કર્યા છે. ૬૫ અર્બન ક્રેડિટ સોસાયટીઓ, ૪૩ કલસ્ટર સોસાયટીઓ સહિતના કુલ ૩૬૭ મહિલા ગ્રૂપોને લોન અપાઇ ચૂકી છે. જોકે, અમારુ લક્ષ્યાંક ૧ લાખ ‘સખી મંડળો’ સાથે ૧૦ લાખ બહેનો મારફત આશરે ૫૦ લાખ લોકો સુધી પહોંચવાનું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે આ યોજના અંતર્ગત રાજ્યની ગ્રામીણ-શહેરી માતા-બહેનોને પરિવારનો આર્થિક આધાર બનવાની સજ્જતા માટે ૧૦ લાખ બહેનોને ૧ કરોડની લોન-ધિરાણ શૂન્ય ટકા વ્યાજે આપવાની ગુજરાતની પહેલ દેશભરમાં મહિલા ઉત્કર્ષ માટેની નવી દિશા ચીંધશે. આ યોજના થકી ૧ લાખ સખીમંડળો દ્વારા ૧૦ લાખ બહેનોને જોડીને પરિવારના અંદાજે ૫૦ લાખ લોકોને આર્થિક આધાર આપવાની રાજ્ય સરકારની નેમ છે.

(7:10 pm IST)