ગુજરાત
News of Tuesday, 24th September 2019

આરોપીઓ દ્વારા વ્હાઇટ કોલર ક્રાઈમ કરાયો છે : કોર્ટનું તારણ

પ્રથમ દર્શનીય રીતે કેટલીક બાબતો ખુલે છે : પીઆઈ કક્ષાથી ઉચ્ચ સ્તરના હોય તેવા અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે : ૯૦ દિનમાં તપાસ પૂર્ણ કરાશે

અમદાવાદ, તા.૨૪ : ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના કરોડો રૂપિયાના કૌભાંડમાં અત્રેની ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ-અલગ ફરિયાદોના ચકચારભર્યા કેસમાં ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ સીઆઇડી ક્રાઇમને એફઆઇઆર નોંધવા બહુ જ મહત્વનો આદેશ જારી કર્યો છે.ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ મહત્વના આદેશમાં નોંધ્યું હતું કે, ફરિયાદપક્ષ તરફથી રજૂ કરાયેલા સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાને જોતાં જો કોઇ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ ના કરતી હોય તો કોર્ટે તેને મળેલ સત્તાનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૧૫૬(૩) મુજબનો હુકમ કરવો વાજબી ગણાય છે. હાલની ફરિયાદની હકીકત લક્ષ્યમાં લેતાં આ કેસમાં ઉચ્ચ પોલીસ એજન્સી દ્વારા અને ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા પોલીસ તપાસ કરવામાં આવે તો બારીકાઇથી અને ઝીણવટભરી પોલીસ તપાસમાં સત્ય હકીકત બહાર આવે તેવી પૂરી શકયતા છે.

              આ કેસમાં આરોપીઓ તરફથી વ્હાઇટ કોલર ક્રાઇમનો ગંભીર પ્રકારનો ગુનો આચરાયો હોવાનું પ્રથમદર્શનીય રીતે જણાય છે, તેથી આ તપાસ પોલીસ તપાસમાં મોકલવી ન્યાયના હિતમાં ન્યાયોચિત જણાય છે. તેથી આ ફરિયાદની એફઆઇઆર રજિસ્ટર કરવા સીઆઇડી ક્રાઇમને હુકમ કરવામાં આવે છે. વધુમાં, સમગ્ર કેસની તપાસ પીઆઇ કક્ષાથી ઉચ્ચ કક્ષાના હોય તેવા ઉચ્ચ અધિકારી મારફતે જ કરાવવાની રહેશે અને તપાસ અધિકારીએ સમગ્ર તપાસ ૯૦ દિવસમાં પૂર્ણ કરીને તેનો રિપોર્ટ અદાલત સમક્ષ રજૂ કરવાનો હુકમ કરવામાં આવે છે.

(8:40 pm IST)