ગુજરાત
News of Tuesday, 24th September 2019

પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પગાર સહિતની વહીવટી કામગીરી ઓનલાઈન

રાજકોટ જિલ્લાની ૮૬૪ શાળાઓને લાભઃ 'એસ.એ.એસ.' સોફટવેર

રાજકોટ, તા. ૨૪ :. રાજ્ય સરકાર દ્વારા સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પગાર સહિતની સઘળી કામગીરી ઓનલાઈન કરવા માટે કાર્યવાહી હાથ ધરાયેલ છે. હાલ બે મહિના પ્રાયોગીક ધોરણે આ પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. નવેમ્બર મહિનાથી તેનો વિધિવત પ્રારંભ થઈ જશે. સરકાર તબક્કાવાર ઓનલાઈન કામગીરીનો વ્યાપ વધારવા માગે છે.

ગુજરાત રાજય દ્વારા તારીખ ૫.૯.૧૯ના રોજ મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્કુલ એડ્મીનીસ્ટ્રેસન સોફટવેર લોન્ચ કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ જિલ્લાની ૮૬૪ પ્રાથમિક શાળાઓને સીધો લાભ મળશે. આ સોફટવેર નો મુખ્ય ઉદેશ વહીવટી કામને ઓનલાઈન કરીને શિક્ષકોની કામગીરીમાં સરળતા લાવવાનો અને સમય બચાવવાનોં છે. આ સોફટવેર મારફતે જે તે શાળાના શિક્ષકોની તમામ માહિતી ઉપલબ્ધ રહેશે તેમજ તેમના પગાર બીલો જે ઉપલી કચેરીએ હાર્ડ કોપીમાં મોકલવાને બદલે હવે ઓનલાઈન જ પગાર બીલ બનાવવાનું અને એ પણ ૧૫ થી ૨૦ મીનીટમાં તૈયાર થઇ જશે. તેમજ તેઓના ઉચ્ચ્તર પગારના કેસો, ઇજાફો, વગેરે આંગળીના ટેરવે થઇ જશે. તેઓને વડી કચેરીથી મગાવવામાં આવતી માહિતી એક વાર અપલોડ કાર્ય બાદ તે માહિતી સરળતા થી મળી રહેશે એટલે કે શિક્ષકોને જે સમય આવી માહિતી ભેગી કરીને મોકલવા માટે આપવો પડતો હતો તે હવે બચતા બાળકોના અભ્યાસમાં વધુ ધ્યાન આપી શકશે. વધુમાં આજના આધુનિક યુગમાં આ સોફટવેર ઉમદા અને લાભદાયક બની રહેશે તેવી સરકારી વર્તુળોને આશા છે.

(3:38 pm IST)