ગુજરાત
News of Saturday, 24th July 2021

સુરતમાં મહોલ્લા કલીનીકો શરૂ કરવા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે મૂકી દરખાસ્ત : 28મીએ સામાન્ય સભામાં થશે નિર્ણય

બહુમતીના આધારે દરખાસ્તને મંજુર કરવી કે નામંજૂર કરવી તેના પર નિર્ણય કરવામાં આવશે

સુરત : મહોલ્લા કલીનીકો સુરતમાં શરૂ કરવા સુરત મહાનગરપાલિકાએ  દરખાસ્ત મૂકી છે. અને આ દરખાસ્ત બીજા કોઈએ નહિ પણ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 3 ના કોર્પોરેટર કનુ ગેડીયાએ મૂકી છે. સુરત મનપાની તારીખ 28 જુલાઈના રોજ મળવા જઈ રહેલી સામાન્ય સભામાં આ અંગે વોટિંગ કરવામાં આવશે. અને બહુમતીના આધારે દરખાસ્તને મંજુર કરવી કે નામંજૂર કરવી તેના પર નિર્ણય કરવામાં આવશે.

સુરત મનપા દ્વારા આગામી 28 જુલાઈના રોજ મુખ કચેરીના સરદાર ખંડમાં સામાન્ય સભા મળવા જઇ રહી છે. જેમાં આપણા કોર્પોરેટરે આપેલી દરખાસ્તને એજન્ડામાં વધારાના કામની દરખાસ્ત તરીકે લેવામાં આવી છે.

દરખાસ્તમાં સૂચવવામાં આવ્યું છે કે સુરત મહાનગરપાલિકાના દર 10 હજારની વસ્તી દીઠ એક મહોલ્લા ક્લિનિક શરૂ કરવામાં આવે. જેમાં એક મહોલ્લા ક્લિનિકમાં ડોક્ટર, નર્સ અને સહાયક સ્ટાફ સહિત લેબોરેટરીની આધુનિક સાધન સુવિધાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. જોવાનું એ છે કે સુરત મનપા આપના કોર્પોરેટર દ્વારા સૂચવાયેલી આ દરખાસ્તને કઈ રીતે લે છે.

શહેરમાં હાલ 52 આરોગ્ય કેન્દ્રો અને 35 વીબીડીસી એકમો છે. હાલની વસ્તી પ્રમાણે સુરતને 88 અર્બન હેલ્થ સેન્ટરની જરૂર છે. જોકે કોરોનાના આ સમયમાં તેમજ ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સુરત શહેરે તેનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા આયોજનબદ્ધ રીતે આગળ વધવાની તૈયારી કરી લીધી છે. જે દેશમાં સૌથી અલગ અને યુનિક હશે.

જેમાં દર 50 હજારની વસ્તીએ વ્યાપક શહેરી આરોગ્ય સુયોજનમાં એક આરોગ્ય સંભાળ કેન્દ્ર, વેક્ટર-જન્ય રોગ નિયંત્રણ (વીબીડીસી) એકમ ઉપરાંત સ્વચ્છતા એકમોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ત્રણેય સુવિધાઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી) ના એક અર્બન હેલ્થ સેન્ટર (યુએચસી) હેઠળ આવશે.

આરોગ્યના ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું છે કે આવી માળખાકીય સુવિધાઓ ધરાવનાર સુરત દેશમાં પ્રથમ હશે. તેમણે કહ્યું કે શહેરમાં પહેલેથી જ કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે જે હજી પણ ઉપયોગમાં છે. આરોગ્યલક્ષી સુવિધાઓની વધુ સારી રીતે દેખરેખ થાય, તેનું વ્યવસ્થાપન અને અમલીકરણ વધુ સારી રીતે કરી શકાય.

તેમજ જો તેમાં કોઈ સુધારાની પણ જરૂર હોય તેને પહોંચી વળવા આ આયોજન કરવામાં આવી રહ્યું છે. માળખાગત સુવિધા વિકસાવવા માટે, સુરત મહાનગરપાલિકા દરેક ક્ષેત્રમાં આરોગ્ય કેન્દ્ર અને વીબીડીસી એકમો બનાવશે અને આ માટે નવા આરોગ્ય કર્મચારીઓની પણ ભરતી કરવામાં આવશે.

આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરીકરણ અને ઔધોગિકરણ વધતા હાલ માળખાગત સુવિધામાં સુધારો અને વધારો બંને કરવો જરૂરી હતો. સુરત મનપામાં 2021-22ના બજેટ માટે શહેરમાં આરોગ્ય સુવિધાઓના માળખાગત સુવિધા માટે આશરે 250 કરોડ રૂપિયાના જોગવાઈ કરવામાં આવી છે. દરમિયાન, રાજ્ય સરકાર દ્વારા નવા કર્મચારીઓ માટે લગભગ 75 કરોડ રૂપિયાનું ભંડોળ પણ આપવામાં આવશે.

શહેરના દરેક ઝોનમાં યોજના મુજબ આરોગ્ય માળખાગત સુવિધામાં સુધારણા કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને તેનાથી ભવિષ્યમાં કોરોના જેવી પરિસ્થિતિઓ સામે લડવામાં મદદ મળશે. શહેરના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આ સુધારો કરવા માટે દરેક ઝોનની જરૂરિયાતના આધારે વિશ્લેષણ પણ કરવામાં આવી રહ્યું છે. જેથી દરેક સેન્ટર મર્યાદિત વસ્તી સાથે વધુ સારું પ્રદર્શન કરી શકશે. તેમાં એક ડોકટર પણ હશે જે હેલ્થકેરના ત્રણેય સેન્ટર પર દેખરેખ રાખી શકે.

જોકે આપના કોર્પોરેટર દ્વારા રજૂ કરાયેલી દરખાસ્ત પર 28 જુલાઈના રોજ મળનારી સામાન્ય સભામાં વોટિંગ થશે. અને બહુમતીના આધારે તેના પર નિર્ણય કરવામાં આવશે.

(10:51 pm IST)