ગુજરાત
News of Saturday, 24th July 2021

6 ઓગસ્ટે લેવાનારી ગુજકેટની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો

રાજ્યના 1.17 લાખ વિદ્યાર્થીઓ 34 ઝોનની 574 બિલ્ડીંગના 5932 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા :એક વર્ગ ખંડમાં મહત્તમ 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે : 1.17 લાખ પૈકી 80 હજારથી વધુ ગુજરાતી માધ્યમના :જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે 4 ઓગસ્ટથી કન્ટ્રોલ રૂમ શરૂ કરાશે

અમદાવાદ :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 6 ઓગસ્ટના રોજ લેવાનારી ગુજકેટની પરીક્ષાને લઈને એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જે મુજબ રાજ્યના 1.17 લાખ વિદ્યાર્થીઓ 34 ઝોનની 574 બિલ્ડીંગના 5932 બ્લોકમાં ગુજકેટની પરીક્ષા આપશે. આ પરીક્ષા માટે પણ એક વર્ગ ખંડમાં મહત્તમ 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. 1.17 લાખ પૈકી 80 હજાર કરતા વધુ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગુજકેટને લઈને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે 4 ઓગસ્ટથી કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવશે. જેમાં પરીક્ષાર્થી, વાલી અને શાળાઓને સાંભળીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત પરીક્ષાનો હાઉ દુર કરવા માટે વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલીંગ કેન્દ્રો ચાલુ કરાશે.

રાજ્યમાં આવેલી ઈજનેરી અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે ગુજકેટ લેવામાં આવનાર છે. 6 ઓગસ્ટના રોજ લેવાનારી ગુજકેટને લઈને બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા એક્શન પ્લાન મુજબ સમગ્ર રાજ્યમાં 34 ઝોનમાં 574 બિલ્ડીંગોમાં ગુજકેટની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. ગુજકેટમાં ગેરરિતી ડામવા માટે દરેક કેન્દ્રો પર ખાસ તકેદારીના પગલા રૂપે CCTVની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. પરીક્ષા કેન્દ્રોની જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પરીક્ષા શરૂ થવાના પાંચથી છ દિવસ પહેલા ચકાસણી કરવામાં આવશે. જેમાં પ્રવેશદ્વાર, બારી બારણા, લાઈટ-પંખા, શૌચાલયો, કમ્પાઉન્ડ વોલ, બેઠક વ્યવસ્થા વગેરેમાં જરૂર જણાય તો સુધારો કરવા માટે આચાર્યને સુચના આપવામાં આવશે. ગુજકેટને લઈને જિલ્લા શિક્ષાધિકારી કચેરીમાં જિલ્લા કન્ટ્રોલ રૂમ 4 ઓગસ્ટથી શરૂ થશે અને 6 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.

ગુજકેટ માટે સમગ્ર રાજ્યમાં 34 કેન્દ્રો પર 574 બિલ્ડીંગ નક્કી કરાયા છે. જેમાં 5932 બ્લોકમાં 117316 વિદ્યાર્થીઓ ગુજકેટ આપશે. ગુજકેટ માટે નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી સૌથી વધુ ગુજરાતી માધ્યમના 80670 વિદ્યાર્થીઓ, અંગ્રેજી માધ્યમના 35571 વિદ્યાર્થીઓ અને હિન્દી માધ્યમના 1075 વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓની સંખ્યા 70554 છે, જ્યારે છોકરીઓની સંખ્યા 46762 છે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

ગુજકેટની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 1.17 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરતના વિદ્યાર્થીઓ છે. સુરતમાંથી ગુજકેટ માટે 15037 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાંથી 9753 અને અમદાવાદ ગ્રામ્યમાંથી 5491 વિદ્યાર્થી નોંધાયા છે. આ ઉપરાંત ભાવનગરમાંથી 5178, રાજકોટમાં 8380, વડોદરામાંથી 7265, ગાંધીનગરમાંથી 5472 વિદ્યાર્થીઓ નોંધાયા છે. પાલનપુર, આણંદ, મહેસાણા, નવસારી જિલ્લામાંથી પણ 4 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ ગુજકેટ માટે નોંધાયા હોવાનું જાણવા મળે છે.

ગુજકેટ મોટાભાગે એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા ગણાય છે. પરંતુ તેમ છતાં એ ગ્રુપ કરતા બી ગ્રુપના વધુ વિદ્યાર્થીઓ ગુજકેટ માટે નોંધાયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર રાજ્યમાંથી નોંધાયેલા 1.17 લાખ વિદ્યાર્થીઓ પૈકી એ ગ્રુપના 47766 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે બી ગ્રુપના 69153 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે એબી ગ્રુપના 397 વિદ્યાર્થી નોંધાયા છે. આમ, એ ગ્રુપ કરતા બી ગ્રુપના 21 હજાર જેટલા વધુ વિદ્યાર્થીઓ ગુજેકટ માટે નોંધાયા હોવાનું જાણવા મળે છે.

ગુજકેટ માટે નોંધાયેલા વિદ્યાર્થીઓમાં વિદેશના બોર્ડના પણ 9 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. ગુજરાત બોર્ડના સૌથી વધુ 1.06 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટ માટે નોંધાયા છે. આ ઉપરાંત CBSE બોર્ડના 8881 વિદ્યાર્થીઓ પણ ગુજકેટ આપનાર છે. જ્યારે CISCE બોર્ડના 429 વિદ્યાર્થી, બિહાર બોર્ડના 61 વિદ્યાર્થી, મહારાષ્ટ્ર બોર્ડના 290 વિદ્યાર્થી, મધ્યપ્રદેશ બોર્ડના 51 વિદ્યાર્થી, NIOSના 734 વિદ્યાર્થી, રાજસ્થાન બોર્ડના 101 વિદ્યાર્થી, યુપી બોર્ડના 51 વિદ્યાર્થી તેમજ અન્ય બોર્ડના 163 વિદ્યાર્થીઓ ગુજકેટમાં ઉપસ્થિત રહેશે.

ગુજકેટ માટેની હોલ ટિકીટ ઓનલાઈન મુકી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. હોલ ટિકીટ ડાઉનલોડ કરવા માટે મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈડી અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર નાંખીને એડમિશન કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવાર પોતાના નામ પરથી સર્ચ કરી જન્મ તારીખ નાંખીને પણ હોલ ટિકીટ ડાઉનલોડ કરી શકશે. હોલ ટિકીટ માત્ર ઓનલાઈન માધ્યમથી જ મળી રહેશે. હોલ ટિકીટ પર આચાર્યના સહી સિક્કા કરાવવાની જરૂર નથી. વિદ્યાર્થીએ પરીક્ષા વખતે હોલ ટિકીટ સાથે એક ફોટો આઈડી પ્રુફ સાથે રાખવાનો રહેશે.

(10:14 pm IST)