ગુજરાત
News of Saturday, 24th July 2021

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ડી.લિટ્ની પદવી એનાયત કરો : હાર્દિક પટેલની માંગણીથી રાજકીય વર્તુળોમાં અનેકવિધ ચર્ચા

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિને લખ્યો પત્ર

અમદાવાદ : રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનો આજે જન્મદિવસ છે. ત્યારે જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા તેમના સહિત અન્ય મહાનુભાવોને ડોકટર ઓફ લીટરેચર ( ડી.લીટ ) ની માનદ પદવી એનાયત કરવાનો અગાઉ નિર્ણય કરાયો હતો. પરંતુ તે આપવામાં નહીં આવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિને પત્ર લખ્યો છે. જેમાં ગુજરાતના પૂર્વ પ્રમુખ કેશુભાઇ પટેલ સહિતના મહાનુભાવોને ડી.લીટની પદવી એનાયત કરવાની માંગણી કરી છે. કેશુભાઇ પટેલના આજના જન્મદિવસના દિવસે ફરીથી સ્વ. કેશુભાઇ પટેલને ડી. લીટની પદવી તાત્કાલિક એનાયત કરવાની વિધિ કરવામાં આવે અને સૌરાષ્ટ્રની પ્રજા વતી તેઓને સાચી શ્રધ્ધાંજલિ આપવામાં આવે તેવી માંગણી કરી છે. આ માંગ સાથે જ રાજકીય વર્તુળમાં ચર્ચા શરૂ થવા પામી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિને ઉદ્દેશીને આજે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય દ્વારા તા.5-11-2020ના રોજ મળેલી સિન્ડિકેટની બેઠકમાં કેટલાંક મહાનુભાવોને ડી.લીટની માનદ પદવી આપવાનો નિર્ણય કરાયો હતો. સિન્ડિકેટ દ્વારા ગુજરાતના લોકલાડીલા, સમાજના નબળા વર્ગને ન્યાય આપવા માટે સંઘર્ષ કરનારા સ્વ. મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને પણ મરણોત્તર ડી.લીટની પદવી આપવાની હતી.

વધુમાં જણાવ્યું છે કે, 5મી નવેમ્બર પછી 19 ડિસેમ્બર તથા 28 માર્ચના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની સેનેટની બેઠકો મળી હતી. આ બેઠકમાં સ્વ. કેશુભાઇ પટેલને મરણોત્તર ડી.લીટની પદવી એનાયત થવાની વિધિ કરી શકાઇ હોત. સેનેટની મીટીંગ સામાન્ય રીતે વર્ષમાં બે વખત મળતી હોય છે. મીટીંગ મળી ગઇ હોવા છતાં સ્વ. કેશુભાઇ પટેલે મરણોત્તર પદવી એનાયત થઇ નથી તે બાબત આશ્ચર્યજનક છે. જયારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ પોતે ડી.લીટની પદવી આપવાનો નિર્ણય કરી લીધો હોય ત્યારે સમિતિની બેઠકો ન મળવાના બહાના આગળ ધરીને આપણે સ્વ. કેશુભાઇ પટેલને મરણોત્તર સન્માનને બદલે મરણોત્તર અન્યાય કરી રહ્યાં નથી ને ?

વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું છે કે, સ્વ. કેશુભાઇ પટેલને ડી.લીટની પદવી કઇ તારીખે એનાયત કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવે તો સ્વ. કેશુભાઇ પટેલને થઇ રહેલો અન્યાય દૂર થઇ શકશે તેમ પત્રમાં જણાવ્યું છે.

સ્વ. કેશુભાઇ પટેલ દરેક રાજકીય પક્ષો માટે સન્માનીય નેતા છે. આવા અનેક સન્માનીય નેતાને દરેક રાજકીય પક્ષ સન્માન આપતું હોય છે. પરંતુ સ્વ. કેશુભાઇને મરણોત્તર ડી.લીટની માનદ્દ પદવી આપવાની હાર્દિક પટેલે માંગણી કરતાં હાર્દિકે પાટીદાર નેતા તરીકે માંગણી કરી છે કે પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે તે મુદ્દો ચર્ચાનો બન્યો છે.

(8:43 pm IST)