ગુજરાત
News of Saturday, 24th July 2021

કોરોના કાળમાં ધંધો બંધ થઇ જતા કડી તાલુકાના મેઢા ગામના ચેતનભાઇ પટેલે ગૌશાળાના ક્ષેત્રમાં ઝંપલાવીને કરોડોની કમાણી કરવા લાગ્‍યા

પ્રથમ વર્ષમાં જ ગાયના દુધ, ઘીનું વેંચાણ કરીને લાખો કમાયા

અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. લોકોએ દરેક પરિસ્થિતિનો સામનો કર્યો છે અને લોકો આર્થિક સ્થિતિ પણ બગડી છે. લોકોના વર્ષોથી ચાલતા રોજગાર ધંધા ઠપ થઈ ગયા. આવામાં અનેક લોકો આત્મનિર્ભર પણ બન્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદ નજીક આવેલા મેઢા ગામમાં બન્યો છે. કોરોના મહામારીમા બેરોજગાર બનેલા ઈન્ટિરિયર ડિઝાઈનર ચેતન પટેલ બન્યા ગોપાલક.

2 ગાયથી બિઝનેસની શરૂઆત કરી

છેલ્લા 7 વર્ષથી  ઇન્ટિરિયર ડિઝાઈનરના બિઝનેસ સાથે જોડાયેલા ચેતન પટેલ મંદી આવતા ગૌશાળા શરૂ કરી અને પ્રથમ વર્ષમાં જ ઓર્ગેનિક ગાયના દૂધ, ઘીનું વેચાણ કરી લાખો કમાવ્યા છે. કોરોના કાળમાં ધધો બંધ થયો. પરંતુ ચેતન પટેલ નિરાશ ન થયા અને આત્મનિર્ભર બની ગૌશાળા શરૂ કરી. પહેલા 2 ગીરની ગાય લાવ્યા અને હાલ તેમની પાસે 25 જેટલી ગીરની ગાય છે. ચેતનભાઈ પોતે જ ગાયનું દૂધ અને ઘી અમદાવાદમાં ગ્રાહકોને તેમના ઘર સુધી પહોંચાડે છે. ગીર ગાયનું દૂધ 100 રૂપિયે લિટર અને 2400 રૂપિયે લીટર શુદ્ધ ઘીનું વેચાણ કરે છે.

બિઝનેસ બંધ થઈ જતાં આવક પણ બંધ થઈ, એટલે કંઈક નવું કરવાનો વિચાર આવ્યો

ચેતનભાઈએ અનેક પડકારોને પાર કરીને સફળતાની સીડીઓ ચડી છે.  ચેતનભાઈ મૂળ કડી તાલુકાના મેઢા ગામના વતની છે. તેમણે પોતાના જ મેઢા ગામમાં શ્રી રાધેકૃષ્ણ ગીર ગૌશાળા સ્થાપી છે. આમ તો ચેતનભાઈ પહેલેથી જ ગૌભક્ત છે. ગાયની સેવા કરવી તેમને ખૂબ ગમે છે. બિઝનેસ બંધ થઈ જતાં આવક પણ બંધ થઈ, એટલે કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. ચેતનભાઈએ તેમના મિત્ર જીજ્ઞેશ શાહ સાથે મળી ગૌશાળા સ્થાપી.

આખો પરિવાર ગૌશાળાના કામમાં જોડાયો

ચેતનભાઈ અમદાવાદમાં જાતે જ દૂધની ડિલિવરી તેમના ગ્રાહકોના ઘરે જઈને કરે છે. ગાયને માતા માનીને પરિવારના સભ્યો ચાકરી કરે છે. ચેતન ભાઈના પરિવારના તમામ સભ્યો ગૌશાળામાં કામકાજ કરે છે. તેમણે આ બિઝનેસ માટે 12 લાખનું ઈન્વેસ્ટમેન્ટ કર્યુ. ગૌશાળામાં ગીરની 25 ગાય છે. તેમનો ઘાસચારો પણ ગૌશાળાની જમીનમાં ઓર્ગેનિક ઉગાડવામાં આવે છે. ગાયોની સારસંભાળ પણ પરિવારના સભ્યો રાખે છે. ગૌશાળામાં આખો પરિવાર કામ કરે છે. તેમના માતા કૈલાસબેન તથા પિતા જયંતીભાઈ સાથે ચેતનભાઈના ભાઈ મેહુલ પટેલ અને તેનાં પત્ની રચનાબેન તેમની બધા જ ગૌશાળાના કામમાં હોંશેહોંશે જોડાય છે. ગૌશાળાનું તમામ કામ પરિવારના લોકો જાતે જ કરે છે. ગાયોને દોહવાનું કામ પણ વૈદિક પદ્ધતિ એટલે હાથથી જ કરવામાં આવે છે. ગાયો દોહ્યા પછીનું દૂધ અમદાવાદમાં ગ્રાહકો સુધી પહોંચાડવામાં  આવે છે.

ગાયને સાચવવા ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ

ગૌશાળામાં ગાયોને સાચવવા તેમજ તેમને જીવજંતુથી રક્ષણ આપવા માટે પણ ચેતનભાઈ અને તેમના પાર્ટનર જિજ્ઞેશભાઈએ અલગ પ્રકારની વ્યવસ્થા કરી છે. ગૌશાળામાં ગાયને માખીઓ અને મચ્છર જેવા જીવજતુંથી રક્ષણ મળે એ માટે શેડની ચારેતરફ મચ્છરજાળી લગાવીને સુરક્ષિત રાખવામાં આવે છે. દરેક ગાય જેટલું પાણી પીવે એટલું ઓટોમેટિક પાણી તેના કુંડામાં ભરાઈ જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગ્રાહકો સુધી પહોંચવા ખાસ ચેનલ ઉભી કરી

પરિવારના સભ્યો જાતે જ ગૌશાળામાં મહેનત કરે છે. ગૌમૂત્ર, ગાયનું દૂધ અને ઘી વગેરે અમદાવાદમાં પહોંચાડવાની એક ચેનલ તેમણે શરૂ કરી છે. ચેતનભાઈ કહે છે કે ગાયમાં ખૂબ જ પોઝિટિવ એનર્જી હોય છે. ઘરનાં બાળકો પણ ગૌશાળામાં જાતે જ ગાયોની માવજત કરે છે. ગીર ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ દૂધ ગણાય છે. તેઓ અમદાવાદમાં ગીર ગાયનું દૂધ 100 રૂપિયે લિટર આપે છે. ગીર ગાયના દૂધમાંથી વલોણા પદ્ધતિ દ્વારા તૈયાર કરેલું ઓર્ગેનિક દેશી ઘી તેઓ 2400 રૂપિયે લિટર આપે છે. લોકોને ઓર્ગેનિકના નામે ભળતી વસ્તુઓ મળે છે. પરંતુ ચેતનભાઈ શુદ્ધ ઘી અને દૂધ લોકોને પહોંચાડી રહ્યા છે. દિવસે દિવસે તેમના ગ્રાહકોમાં સતત વધારો થઈ રહયા છે.  

(4:16 pm IST)