ગુજરાત
News of Saturday, 24th July 2021

છોટાઉદેપુરના મધ્‍યપ્રદેશની સરહદે આવેલા ચિલીયાવાંટ ગામમાં ગામના જ પ્રેમી યુગલને ઝાડ સાથે બાંધીને બેરહેમીપૂર્વક માર માર્યો

તાલીબાની સજાનો વીડિયો વાયરલ થતા 9 શખ્‍સોની ધરપકડ

છોટાઉદેપુર: રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જીલ્લામાં વધુ એક વાર પ્રેમી યુગલને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવી છે, છોટાઉદેપુર તાલુકાનાં અને મધ્યપ્રદેશની સરહદે આવેલ ચિલીયાવાંટ ગામમાં ગામનાજ પ્રેમી યુગલને ઝાડ સાથે બાંધી બેરહેમી પૂર્વક માર મારતા હોવાનો એક વિડીયો સોસિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. વિડીયો વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને યુદ્ધના ધોરણે ઘટનાને લઈ ઘટના સંબંધી ગુનો નોધી નવ આરોપીઓની ધરપકડ પણ કરી લેવાઈ છે.

દેખાવમાં સાવ માસૂમ લાગતાં આ ચહેરાઓની કરતૂત જોશો તો તમે હેરાન થઈ જશો. ઝાડ સાથે બાધેલ પ્રેમી યુગલની ચીસો વચ્ચે આ પ્રેમી યુગલને તાડના ઝાડના ઠાબાના સોટા ફટકારનાર માનવના મુખટના દાનવો છે. (1)દિતલિયા અમદા ધાણૂક (2) ગોરધન થાવરિયા ધાણૂક (3) રાજૂ અનુદિયા ધાણૂક (4) રેશમાં પારસિંગ ધાણૂક (5) ગુમાન અનુડીયા ધાણૂક (6)રેવજી અનુડિયા ધાણૂક (7)રાળિયા નાયકા ધાણૂક (8) કાળું નાયકા ધાણૂક (9) અરવિંદ ઉર્ફે હરલા ધાણા ધાણૂક. તમામ રહેવાસી ભરેડા ફળિયા , ચિલીયાવાંટ.

રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર પંથકમાં પ્રેમી યુગલને ઝાડ સાથે બાંધી એક પછી એક વ્યક્તિ દ્વારા તાડના ઠાબા કે જે લાકડીના સોટા જેવા હોય છે તેના ઉપરા છાપરી ફટકા મારી તાલિબાની સજા આપતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો અને આ વિડીયો પોલીસ પાસે પહોંચતા જ પોલીસ હરકતમાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જિલ્લાના તમામ થાણા અધિકારીઓને આ વિડિયોની તપાસ સોંપતા વિડિયો છોટાઉદેપુર તાલુકાનાં મધ્યપ્રદેશને અડીને આવેલ સરહદી વિસ્તારના ચિલીયાવાંટ ગામના ભરેડા ફળિયાનો હોવાનું સામે આવ્યું છે. રંગપુર પોલીસ મથકના પોલીસ સ્ટાફે રાતોરાત ચિલીયાવાંટ પહોંચી વિડિયોમાં માર મારતા 9 શખ્સોને ઝડપી પૂછપરછ કરતાં સમગ્ર મામલાની હકીકત સામે આવી હતી.

માર મારનાર શખ્સો બીજા કોઈ નહી પણ આ પ્રેમી યુગલના કુટુંબીજનો હોવાનું સામે આવ્યું છે. આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ ગામની અને સમાજની કૌટુંબિક યુવતી સાથે લગ્ન ન કરી શકાય. માર મારનાર મુખ્ય સૂત્રધાર એવા યુવકના મામા અને યુવતીના કાકા દિતલિયા અમદા ધાણુંકનું કહેવું હતું કે, યુવક અરવિંદના પિતા કાળુભાઇ ધાણૂકની તબિયત સારી રહેતી નથી. અગાઉ પણ અરવિંદ ગામની જ અને કુટુંબની એક યુવતીને લઈને ભાગી ગયેલ ત્યારે પણ તેઓના પાછા લાવી તેનું સામાજિક રીતે સમાધાન કરી બંનેને છૂટા કર્યા હતા. ફરીથી અરવિંદે તેમના કુટુંબની જ છોકરીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરવાના ઇરાદે તેને લઈ ભાગી ગયો હતો. ભાગી ગયેલ આ બંને પ્રેમી યુગલને દિતલિયા ધાણૂક સહિત કૌટુંબિક લોકોએ શોધખોળ કરતાં આ બને મધ્યપ્રદેશના કાંછેટપાણી ગામમાં તેમના એક સંબંધીને ત્યાં હોવાનું માલૂમ પડતાં આ બંનેને ત્યાંથી પકડી લવાયા હતા.

ત્યાર બાદ આ પ્રેમી યુગલે અંદરો અંદર પ્રેમ કર્યાની તેમને સજા ફટકારવામાં આવી હતી. સજા પણ કેવી જે જોઈને સૌ કોઈના રૂવાટા ઊભા થઈ જાય. માર મારતા આ વિડિયો એટલા ખોફનાક છે કે આપને વિચલિત કરી શકે છે, જેથી આપણે સ્પષ્ટ બતાવી નથી શકતા અને એટલેજ આ પ્રકારની સજાને અમે તાલિબાની સજા કહી રહ્યા છે. અગાઉ પણ આજ પંથકના ધડાગામમાં પણ આજ રીતે ગામના પ્રેમી યુગલ ને વીજપોલ સાથે બાંધીને તેમનાજ પરિજનો દ્વારા આવી સજા આપવામાં આવી હતી.

વારયલ થયેલ આ વિડિયોમાં પ્રેમી યુગલને વીજ પોલ સાથે બાંધીને તાડના ઠાબા વડે નિરંતર ફટકા માંરવામાં આવી રહ્યા છે , તે દ્રશ્યો ચોક્કસ થી કોઈનું પણ કાળજું કંપાવી દે તેવા છે. વાઇરલ વિડીયોની તપાસમાં વિડીયો ચિલીયાવાંટ ગામનો હોવાનું અને ઘટના ગત 18 મી તારીખે બની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ભોગ બનનાર પ્રેમી યુગલ પૈકી યુવતીની ફરીયાદ લઈ 9 લોકો સામે  રંગપુર પોલીસમાં ફરિયાદ નોધી વિડિયોમાં માર મારતા દેખાતા તમામ 9 લોકોને ઝડપી પાડ્યા હતા. રંગપુર પોલીસ મથકમાં નોધાયેલ ફરિયાદમાં વિડીયો ઉતારનાર સહિત આ તમામ 9 લોકો સામે આઇટી એક્ટ 67 સહિત 323, 364, 342, 142, 143, 147, 148, 149 અને 504 , 506(2) મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમી યગલ ને તાલિબાની સજા આપવાની આ કોઈ નવી ઘટના નથી , છોટાઉદેપુર સહિત આદિવાસી પંથકમાં આવી ઘટનાઓ વારંવાર બને છે , અને ભૂતકાળમાં આવી કેટલીક ઘટનાઓ સોસિયલ મીડિયા થકી સામે પણ આવી છે, ત્યારે આદિવાસી સમાજમાં બનતી આવી ઘટનાઓને લઈ છોટાઉદેપુર જિલ્લા પોલીસે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેના માટે પ્રયાસો હાથ ધરવામા આવશે તેમ જિલ્લા પોલીસ વડા એ જણાવ્યુ છે.

(4:15 pm IST)