ગુજરાત
News of Thursday, 24th June 2021

સરદાર સરોવર નર્મદા ડેમને મહત્તમ સપાટી પર લઈ જવા સરકારનો લક્ષ્યાંક: ડેમની જળ સપાટી ૧૧૫.૪૦ મીટર: પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો ૫૬૧ મિલિયન કયુબિક મીટર

ડેડીયાપાડા-રાજપીપળા: સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો થતા હાલ નર્મદા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયો છે. જેથી સરદાર સરોવર નર્મદા ડેમને મહત્તમ સપાટી પર લઈ જવા સરકારનો લક્ષ્યાંક સાથે આર.બી.પી.એચ. ચલાવવાના સમયમાં ઘટાડો કરાયો છે.આગામી સમયમાં આવી રીતે નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કરાશે. સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે.અગાઉ સરદાર સરોવરના રિવર બેડ પાવર હાઉસ ૨૪ કલાક ચલાવવામાં આવતું હતું જેથી ૩૫૦૦૦ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતું હતું. પાણી સંગ્રહ કરવાનું હોવાથી હવે ૧૫૦૦૦ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યુ છે.
એક સમયે નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ સતત ચલાવવામાં આવતા નર્મદા ડેમની જળ સપાટી ધીરે ધીરે ઘટી રહી હતી. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૧૫.૪૦ મીટર છે, પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો ૫૬૧ મિલિયન કયુબિક મીટર છે.અને ગરુડેશ્વર વિયર ડેમ હાલમાં છલોછલ ભરેલો છે. અત્યારે રોજનું ૭ મિલિયન યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
નર્મદા જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઈએ તો નર્મદા ડેમ તેની ભયજનક સપાટી ૧૩૮.૬૮ મીટરની સામે-૧૧૫.૬૯  મીટર, કરજણ ડેમ તેની ભયજનક સપાટી-૧૧૬.૧૧ મીટરની સામે-૧૦૨.૦૭ મીટર, નાના કાકડીઆંબા ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૭૦ મીટરની સામે-૧૭૯.૧૫ મીટર અને ચોપડવાવ ડેમ તેની ભયજનક સપાટી-૧૮૭.૧૧ મીટરની સામે-૧૭૯ મીટરની સપાટી રહેવા પામી છે. જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેના ગેજ લેવલની ભયજનક સપાટી- ૩૧.૦૯ મીટરની સામે ૧૪.૭૨ મીટર છે.

(8:21 pm IST)