ગુજરાત
News of Thursday, 24th June 2021

બોરસદ-ખંભાત તાલુકાના 35થી વધુ ગામોને જોડતા ધુવારણ માર્ગ નજીક ઓવરબ્રિજની કામગીરી અટકી જતા લોકોને અવરજવર કરવામાં હાલાકી

બોરસદ: અને ખંભાત તાલુકાના ગામોને જોડતા ધુવારણ માર્ગ ઉપર વડેલી ગામ પાસે રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા પાંચ માસથી કામગીરી ખોરંભે પડી હોવાથી માર્ગ ઉપરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સાથે સાથે આસપાસના ગામડાઓના રહીશોને પણ અત્રેથી અવર-જવર કરવામાં પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે રેલ્વે ઓવરબ્રીજના કામકાજ દરમ્યાન માર્ગની આસપાસ કરવામાં આવેલ ખોદકામને કારણે માર્ગ બિસ્માર બન્યો હોવાથી છે. તેમજ કરાયેલ ખોદકામને કારણે અકસ્માતની દહેશત વાહનચાલકોને સતાવી રહી છે. જાણવા જેવી બાબત છે કે માર્ગ ઉપર ઓવરબ્રીજના કામકાજને લઈ કરાયેલ ખોદકામ બાબતે કોઈ જાણકારી કે સાવચેતી રાખવાની દરકાર કરવામાં આવી નથી. જેથી માર્ગ પરથી પસાર થઈ રહેલા નાગરિકો સહિત વાહનચાલકોને જોખમી પરિસ્થિતિનો અનુભવની સાથે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

હાલ ચોમાસાની સીઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે ૩૫ કરતા વધુ ગામોમાં અવર-જવર માટે ખુબ મહત્વના ગણાતા બોરસદ-ધુવારણ રોડ ઉપર ઓવરબ્રીજની કામગીરી ખોરંભે પડતા ખોદકામ કરાયેલ સ્થળે વરસાદી પાણી ભરાવવાના કારણે પાણીની સપાટી બાબતે ખ્યાલ આવતા વાહનચાલકોને માથે અકસ્માતનું સંકટ તોળાઈ રહ્યું છે.

(5:50 pm IST)