ગુજરાત
News of Thursday, 24th June 2021

મીસાવાસની સ્મૃતિ તાજી કરાવતો

કાલે કટોકટીનો કાળો દિવસ

રાજકોટ : ૨૫ જૂન ૧૯૭૫ ભારતમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવી, રાષ્ટ્રની લોકશાહી પરંપરાનો એ કલંકિત ઇતિહાસ. સતા ટકાવી રાખવા માટે અલ્હાબાદ કોર્ટના ચુકાદાને ફગાવી દઈ દેશને સરમુખત્યારશાહીની એડી નીચે કચડવામાં આવ્યો. ૪૬ વર્ષો વિતી ગયા એ ઘટનાને, એ પછીની પેઢીને એ સમયની વ્યથા અને કથા વિષે ઓછી માહિતી હોય તે સ્વાભાવિક છે. અખબારો ઉપર સેન્સર્શિપ લાદવામાં આવી, વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું. એકહથ્થુ સતાની ભૂખ અને મદમાં ઉન્મત ઇન્દિરા ગાંધીએ દેશના સ્વાતંત્ર્ય માટે લડનારા અનેક મહાન નેતાઓને જેલમાં ધકેલી દીધા અને તેમના પરિવારો પર પણ અમાનુષી સિતમ ગુજારવામાં આવ્યો, જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઈ જેવા નેતાઓ સાથે જનસંઘના અનેક નેતાઓએ હસતા મુખે દેશની લોકશાહીના રક્ષણ માટે કારમી પીડા ભોગવી, અનેક કાર્યકર્તાઓ મિસાવાસમાં જેલમાં રહ્યા. આવા કપરા કાળખંડમાં ગુજરાતના વિખ્યાત વ્યંગ ચિત્રકાર શ્રી બંસીલાલ વર્મા જેઓ 'ચકોર'ના નામથી કાર્ટૂન દોરતા તેઓના કાર્ટૂન દ્વારા કટોકટી વિરૂદ્ઘ લડતા લોકોને ખૂબ જ ઉત્સાહ અને ઊર્જા પ્રાપ્ત થતી. ત્યાર બાદ તેમના કાર્ટૂન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. તેથી તેમને 'ચાણકય'ના નામથી કટોકટી વિરૂધ્ધમાં કાર્ટૂન દોરવાનું ચાલુ જ રાખ્યું, આજે એ કાર્ટૂન એ સમયની પરિસ્થિતિને ઉજાગર કરતા ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે. ૨૫ જૂન ૨૦૧૪ માં આદરણીય 'ચકોર'ના આવા ઐતિહાસિક વ્યંગચિત્રોનું પ્રદેશ ભાજપના બૌધ્ધિક સેલના સંયોજકના નાતે વિવિધ મહાનગરોમાં તેનું પ્રદર્શન અને હોર્ડિંગ પણ મૂકવામાં આવ્યા હતા.

- જયેશ વ્યાસ, મો.૯૪૨૭૨ ૨૧૧૦૦

બોર્ડ મેમ્બર : ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી

કન્વીનર : ગુજરાત પ્રદેશ બૌધ્ધિક સેલ

(3:30 pm IST)