ગુજરાત
News of Thursday, 24th June 2021

ગુજરાતની ખાનગી શાળાઓમાં RTE હેઠળ વર્ગ દીઠ ૧૫ છાત્રો ફાળવવા માંગણી

ગુજરાત શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ નિયામકને રજૂઆત

ગાંધીનગર તા. ૨૪ : રાજયની ખાનગી સ્કૂલોમાં RTEના મહત્ત્।મ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવે તે માટે ગુજરાત રાજય શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ નિયામકને પત્ર લખી માગણી કરવામાં આવી છે. વાલીઓની અરજીઓને ધ્યાને લઈને આગામી બે વર્ષ માટે મહત્ત્।મ વિદ્યાર્થીઓ ફાળવવા માટે પણ જણાવાયું છે. ઉપરાંત વર્ગ દીઠ ૧૦ના બદલે ૧૫ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ફાળવવામાં આવે તે માટે પણ રજૂઆત કરાઈ છે. તેના માટેના શાળા સંચાલક મંડળે તર્કબધ્ધ કારણો પણ રજૂ કર્યા છે.

રાજય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે પ્રાથમિક શિક્ષણ નિયામકને ઉદ્દેશીને લખેલા પત્રમાં રજૂઆત કરી છે કે, ૨૦૨૦-૨૧ અને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન કોરોનાના ડર હેઠળ હજી સુધી વાલીઓ પોતાના બાળકોને પ્રાથમિક વિભાગના પ્રવેશ માટે શાળામાં પ્રત્યક્ષ આવવાનું ટાળે છે. ગત શૈક્ષણિક વર્ષમાં પ્રાથમિક વિભાગમાં ધોરણ-૧થી ૫માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ શકયું ન હતું. જયારે ધોરણ-૬થી ૮ના વર્ગો થોડાક સમય માટે શરૂ થયા હતા.

છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતમાં અન્ય રાજયોમાંથી આવેલા કુશળ અને અર્ધકુશળ કારીગરો પોતાના વતનમાં ચાલ્યા ગયા છે, જેના કારણે રાજયની તમામ શાળાઓમાં અને ખાસ કરીને મોટા શહેરોમાં વાલીઓ સાથે વિદ્યાર્થીઓના જતા રહેવાથી ખુબ મોટી ઘટ પડેલી છે. આમ, ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યાનું પ્રમાણ ઘટી ગયું છે.

જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ભૌતિક સુવિધાઓ દિન-પ્રતિદિન વધતી જાય છે અને રાજય સરકારના શિક્ષણ બજેટમાં શ્રેષ્ઠતમ શાળાઓ શરૂ કરવાની યોજના હેઠળ પણ પ્રવર્તમાન શાળાઓમાંથી વિદ્યાર્થી ખેંચાઈને સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલ્યા જાય તેવી શંકા છે.

તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત ધોરણ-૧માં પ્રવેશ માટે પાંચથી સાત વર્ષની ઉંમરના બાળકોના વાલીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવેલી છે. મફત અને ફરજિયાત શિક્ષણધારા હેઠળ ધોરણ-૧થી ૮ સુધી શાળા ફી, પાઠ્ય પુસ્તકો અને યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા થનાર હોવાથી RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે વાલીઓ વચ્ચે હોડ લાગશે. RTE હેઠળ શાળામાં ચાલતા માન્ય વર્ગોમાં પ્રત્યેક વર્ગે ૨૫ ટકા વિદ્યાર્થીની ગણતરી કરીને RTE હેઠળ વિદ્યાર્થીની ફાળવણી કરવામાં આવતી હોય છે. RTEના નિયમો મુજબ ૪૦ વિદ્યાર્થીનો એક વર્ગ ગણવામાં આવે છે. આમ, ખાનગી શાળાને ૧ વર્ગે ફકત ૧૦ વિદ્યાર્થી જ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ફાળવવામાં આવે છે. જોકે, રાજયમાં ૬૦ વિદ્યાર્થીએ એક વર્ગ તે મુજબ શિક્ષણ કાર્ય ચાલે છે.

(3:29 pm IST)